VIDEO: અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ; નદીઓ બે કાંઠે વહી,ઘોડાપૂરમાં 15 બકરાઓ તણાયા
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે(1 જુલાઈ) રાજ્યના 70 તાલુકાથી વધુ સ્થળોએ વરસાદી માહોલ છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવવાની સાથે સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા, લાઠી, ધારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને લઈને જાફરાબાદમાં ભાડીયો નદી બંને કાંઠે વહેતી થઈ છે. આમ, જિલ્લામાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.
ઘોડાપૂરમાં 15થી 20 બકરાઓ તણાયા
રાજુલાના ગ્રામ્ય પંથક ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના ચોત્રા ગામે રાયડી નદીમાં ઘોડાપૂરને પગલે ગામના પશુપાલક ધકડાભાઈના બકરાઓ પાણીમાં તણાયા હતા. જેને લઈને બકરાને બચાવવા નદીમાં પડેલા પશુપાલક પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ
રાજ્યમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ છે. જેમાં અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજુલાના કોસ્ટલ બેલ્ટ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આમ, રાજુલા શહેર સાથે પીપાવાવ પોર્ટ, ખાખબાઇ, છતડીયા, હિંડોરણા, કાતર, કોટડી, બારપટોળી અને રાજુલાના ખેરા, પટવા, સમઢિયાળા, કડિયાળી, ડુંગર, માંડળ, મોરંગી, કુંભારીયા, દેવકા, ખાંભાલીયા સહિતના ગામોમાં સારો એવો વરસાદ થયો છે. આમ, ભારે બફારા બાદ વરસાદનું આગમાન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે વરસાદની શરૂઆત થતાં જગતનો તાતમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરની સ્થિતિ છે. જેમાં ખાંભા શહેર અને ભાવરડી, તાલડા, ચોત્રા, ત્રાકુડા, ભાડેર, મોણવેલ, પીપરીયા, માલસીકા, ડાંગાવદર સહિત ગીરના ગામડાંઓમાં મેઘમહેરથી જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
જાફરાબાદમાં પણ સારો એવો વરસાદ
જાફરાબાદના લોર, ફાચરીયા, કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાળ, લોર, પાટી માણસા સહિતના ગામોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાટી માણસા ગામે ધોધમાર વરસાદ થવાના કારણે ભાડીયો નદી બંને કાંઠે વહેતી થઈ છે.
બગસરા, વડીયા અને લાઠીમાં મેઘરાજાનું આગમન
અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બગસરા અને વડીયાના અનેક સ્થળોએ સારો એવો વરસાદ વરસ્યો છે. બગસરા શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે વડીયા શહેર અને વડીયા પંથકના ગામડાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. જેમાં વડીયાના અરજણસુખ, અનિડા, ઉજળા, ખાખરીયા, મોટા ઉજળા ગામમાં મેઘમહેર થતાં ખેતરોમાં પાણી ભરાયા છે.
જ્યારે લાઠી શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ઘનઘોર વાદળો અને બફારાની સ્થિતિ વચ્ચે લાઠીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આમ, લાઠીમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી છે.
સાવરકુંડલામાં હળવો વરસાદી માહોલ
સાવરકુંડલામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડ્યું છે. જેમાં વંડા, પિયાવા, મેવાસા સહિત આસપાસના ગામોમાં હળવો વરસાદ થયો છે.
ખેડૂતોમાં આનંદ છવાયો
અમરેલીના અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. જેમાં વાવણી લાયક વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.








