મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છેલ્લા નોરતે વરસાદનું વિઘ્ન? હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ચિંતિત, ધોલેરા પંથકમાં વરસાદી ઝાપટાં

છેલ્લા નોરતે વરસાદનું વિઘ્ન? હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ચિંતિત, ધોલેરા પંથકમાં વરસાદી ઝાપટા
તસવીર: Google
આ સમાચાર સાંભળો

નવરાત્રિના અંતિમ દિવસો એટલે કે 18-19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરતાં ખેલૈયાઓની ચિંતા વધી છે. આજે(18 ઓક્ટોબર) રાજ્યના 7 જિલ્લામાં અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર સહિતના 4 જિલ્લામાં માવઠુ પડવાની શક્યતા છે. 

ધોલેરા પંથકમાં વરસાદી ઝાપટા

ધોલેરા પંથકમાં ઠંડા પવનના સુસવાટા સાથે ધોલેરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. ધોલેરા એક્ટિવિટી એરિયા અને તેની પાછળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી ગઈ હતી. જોકે, આ હળવા વરસાદથી વાતાવરણમાં અચાનક જ ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત અનુભવાઈ હતી. હળવા પવન સાથે અચાનક ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

આજે 7 જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે.

નવમા નોરતે વરસાદની આગાહી

આવતીકાલે સોમવારે(19 ઓક્ટોબર) એટલે કે નવમા નોરતે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમીધારે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભાણવડમાં ભારે પવન સાથે તોફાની વરસાદના વીડિયો થયા વાઈરલ

દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ધમધોકાર તોફાની વરસાદ ત્રાટક્યો હતો. જેમાં ભાણવડના ગુંદા, સાજડિયારી, સણખલા, કાટકોલા અને અડવાણા સહિતના ગામોમાં જોરદાર પવન સાથે અડધો કલાક મુશળધાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા વરસાદથી આસો મહિનામાં આષાઢ જેવો માહોલ સર્જાયો હતો. ગઈકાલના વરસાદનો વીડિયો વાઈરલ થયો છે.

આશરે દોઢ ઈંચ સુધી વરસેલા આ વરસાદથી ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા. અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે ખેતરોમાં ઉભા મગફળી સહિતના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તોફાની વરસાદથી થોડો સમય દોડધામનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો