રાજકોટ: એક ઈંચ વરસાદમાં જ BRTS રૂટમાં પાણી ભરાયા, બસ બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને અમરેલી, ભાવ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં એક ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે બીઆરટીએસ બસ બંધ પડી ગઈ હતી. જેના પગલે મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.
રાજકોટમાં એક ઈંચ વરસાદમાં કેટલાક વિસ્તારમાં મનપા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી હતી. શહેરના નાનામવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટ પર પાણી ભરાઈ જતા બસના ટાયર ડૂબી ગયા હતા. જેથી મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા. ગોઠણડૂબ પાણીમાં જ બસમાંથી ઉતરી બહાર આવવું પડ્યું હતું.
જૂનાગઢમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં વંટોળ સાથે વરસાદ વરસ્યો હતો. જલંધર, માતરવાણીયા, અમરાપુર સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ચુડામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા,મુળી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ચુડામાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા હતા.જ્યારે વાંસલ ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ અને સુરતમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે નદીઓમાં નવા નરી આવ્યા હતા અને રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા.
આવતીકાલે આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર
ઉલ્લેખનીય છે કે, 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ, સુરતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.








