પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં થતી લાકડાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ, મધ્યપ્રદેશ સુધી લંબાયા હતા તાર
સુરત જિલ્લા વન વિભાગે પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ગત 14 તારીખના રોજ લાકડા ભરેલ ટ્રક ઝડપ

સુરત જિલ્લા વન વિભાગે પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ગત 14 તારીખના રોજ લાકડા ભરેલ ટ્રક ઝડપાઇ હતી. જેનું પગેરું છેક એમપી સુધી જતા માંડવી વન વિભાગ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. જ્યાં અલી રાજપુર નજીક ડેપોમાં સંતાડેલ લાકડા મળી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમજદ અલીની ધરપકડ કરી લેવાય હતી.
ખેરના લાકડાની ચોરી
આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે. જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પુષ્પા અને વિરપ્પનો સક્રિય બનીને લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો. જાણે પુષ્પા ફિલ્મની જેમ જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા. આવી જ રીતે ગત 14 મી જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેંજના જંગલ વિસ્તારમાંથી એક ખેરના લાકડા ચોરીની એક ટ્રક ઝડપી પાડી હતી. ટ્રક ચાલકની પૂછપરછમાં તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો.
લાકડા ચોરીનું પગેરું દાબી પર્દાફાશ
ઝડપાયેલ ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં હોવાનું ચોંકાવનારી માહિતી વન વિભાગની ટીમને મળી હતી. જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો. જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી 2000 મેટ્રિક ટન એટલે કે પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો. જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કર્યો હતો. આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફઅલી અમજલ અલી મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ફિલ્મ પુષ્પા પેટર્નની જેમ લાકડા ચોરી કરતા
માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે ડેપો મેનેજરની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગેવગે કરાતું હતું. લાકડા ચોરી કરનાર વિરપ્પનો દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા હતા. તેઓ માત્ર સુરત જિલ્લામા જ નહીં. પરંતુ નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી પણ ચોરી કરતા હતા. તેમજ નર્મદા,દાહોદ,ભરુચ જિલ્લાના જંગલમાંથી પણ લાકડું ચોરી કરાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાતમાંથી કોના મારફત લાકડાની ચોરી કરાતી હતી, એ બાબતે તપાસ શરૂ કરી છે.








