મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

ગુજરાત સરકારે ખેડૂતોને સહાયભૂત થવાના ઉદ્દેશથી, તેમની જણસને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો

Gujaratમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

ગુજરાત સરકારે ખેડૂતોને સહાયભૂત થવાના ઉદ્દેશથી, તેમની જણસને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ મુજબ ગુજરાતમાં વિવિધ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવશે. ત્યારે આજે સરકારે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે. સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે. 

સુરેન્દ્રનગરમાં મુળી યાર્ડમાં સેડ બનાવી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ખરીદી 31 જાન્યુઆરી સુધી ચાલશે. નોંધણી કરાયેલા ખેડૂતો મગફળીના વેંચાણ માટે પહોંચ્યા છે. પ્રથમ મુળી કેન્દ્રમાં 4700 ખેડૂતો પાસે થી મગફળીની ખરીદી કરવામાં આવશે. ત્યારે હાલમાં 125 મણની ખરીદી શરૂ કરવામાં આવી છે. 1 ક્વીન્ટલ દીઠ 7263ના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે ક્વોલિટી ચેકિંગનો પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. ખરીદીમાં ગેરરીતિ ન થાય તે માટે પ્રાંત અધિકારી અને ખેતીવાડી અધિકારીએ ધામા નાખ્યા છે. 

તો જુનાગઢના માંગરોળ તાલુકામાં પણ આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે. ગઈકાલે મગફળી વેચવા માટે 20 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા જ્યારે ચાર પાંચ ખેડૂતો મગફળી વેચવા માટે આવી પહોંચ્યા છે. માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે બે ખરીદી કેન્દ્ર આવેલા છે જ્યારે અન્ય ખરીદી કેન્દ્રો અલગ અલગ જગ્યાઓ ઉપર આવેલા છે. ત્યારે મગફળી વેચવા આવનારા ખેડૂતોએ પેકેજ મુદ્દે વિરોધ કર્યો હતો અને એપીએમસી માંગરોળમાં આવેલા ખેડૂતો દ્વારા પેકેજનો ભારે વિરોધ કરી દેવું માફ કરવા માંગ કરી છે અને અન્ય ખરીદી કેન્દ્રોના હજુ ઠેકાણા ના હોય તેવું લાગી રહ્યું છે

તો રાજકોટમાં પણ રાજ્ય સરકાર દ્વારા આજથી ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે, ત્યારે અહીં ખેડૂતોએ જણાવ્યું કે, આ વર્ષે ટેકાના ભાવે સારા ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરતા 500 રૂપિયા ભાવ ટેકાના ભાવે વધુ મળી રહ્યા છે, આ વર્ષે ગત વર્ષ કરતા 100 રૂપિયા અંદાજિત ભાવ પણ વધુ છે, તેમણે વધુમાં કહ્યું કે, જો કે સરકારે 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદ કરે છે , તેના કરતા થોડી વધુ ખરીદ કરવી જોઈએ. હાલમાં રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી છે.  ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન વચ્ચે ખરીદી શરૂ થઈ છે. રાજ્યમાં નવ લાખ 30 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કર્યું છે. 1452 એક મણ દીઠ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.  જે ખેડૂતોને એસએમએસ કરવામાં આવ્યા તે ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા છે. 

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં પહેલા દિવસે 50 ખેડૂતોને ફોન કરી બોલાવાયા હતા, જેમાંથી માત્ર બે થી ત્રણ ખેડૂતો જ પોતાની જણસ વહેંચવા પહોંચ્યા હતા. યાર્ડ ચેરમેને જણાવ્યું કે, દરરોજ અંદાજિત 150 ખેડૂતોને એસ એમ એસ કરીને બોલાવવામાં આવશે 

આ સમાચાર શેર કરો