VIDEO/ 'ચૈતર વસાવા 'મસીહા' બની લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે', છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવાના આકરા પ્રહારો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રવિવારે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રવિવારે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના 'સ્નેહ મિલન' કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાવીજેતપુરના ધારાસભ્ય જેન્તીભાઈ રાઠવાએ આમ આદમી પાર્ટી (AAP) અને ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા.
સાંસદ જશુભાઈ રાઠવાએ ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર
સાંસદ જશુભાઈ રાઠવાએ પોતાના સંબોધનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સીધા નિશાન બનાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "છોટાઉદેપુર જિલ્લામાં ચૈતર વસાવા 'મસીહા' બનીને આવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે."
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ભાજપે અનેક નેતાઓ આપ્યા છે અને આ વિસ્તારમાં વિકાસનાં કામો ભાજપ અને કોંગ્રેસે કર્યા છે. તેમણે દાવો કર્યો કે ડેડિયાપાડાના ધારાસભ્ય આ વિસ્તારમાં એક પણ રૂપિયાનું વિકાસનું કામ કરી શકે તેમ નથી, કારણ કે તેમની પાસે કોઈ પાવર નથી. જશુભાઈ રાઠવાએ ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો કે તેઓ લોકોને ગેરમાર્ગે દોરીને સમાજનું વિભાજન કરી રહ્યા છે.
ધારાસભ્ય જેન્તીભાઈ રાઠવાએ આપ્યો ખુલ્લો પડકાર
પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જેન્તીભાઈ રાઠવા પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર વરસ્યા હતા. તેમણે જનતાને સવાલ કર્યો હતો કે, "જે ધારાસભ્ય ડેડિયાપાડાના છે, જે એક બાંકડો પણ છોટાઉદેપુર જિલ્લામાં મૂકી શકતા નથી, તેમની સભાઓમાં તમે શું કામ જાઓ છો? આવા લોકોની સભામાં જવું ખોટી વાત છે." તેમણે સભા મંચ પરથી ડેડિયાપાડાના ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા લલકાર કર્યો હતો કે, "જો તેમનામાં તાકાત હોય તો છોટાઉદેપુર જિલ્લામાં એક બોર મંજૂર કરીને બતાવે."
જેન્તીભાઈ રાઠવાએ દાવો કર્યો કે છોટાઉદેપુર જિલ્લામાં વિકાસનાં કામો માત્ર ભાજપે જ કર્યા છે.
રાજકારણ ગરમાયું
મહત્ત્વની વાત એ છે કે, છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના બંનેના કાર્યક્રમો એક જ દિવસે યોજાયા હતા. આના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. એક તરફ ભાજપના નેતાઓએ 'આપ' પર પ્રહારો કર્યા, તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ભાજપને લલકાર ફેંકી રહી છે.
વિકાસ અને રાજકીય વર્ચસ્વના મુદ્દે થયેલા આ આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી હાલ છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ટોક ઑફ ધ ટાઉન બન્યું છે, અને આગામી સમયમાં આદિવાસી વિસ્તારના રાજકારણમાં વધુ ગરમાવો આવે તેવી શક્યતા છે.







