છોટાઉદેપુરની પુનિયાવાંટ એકલવ્ય સ્કૂલમાં એક સામટા 100 બાળકો બીમાર, રસોડામાંથી મળ્યા સડેલા શાકભાજી
છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે બાળકો બીમાર પડવાની ઘટનામાં વિપક્ષના નેતાએ રસોડાની

છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે બાળકો બીમાર પડવાની ઘટનામાં વિપક્ષના નેતાએ રસોડાની મુલાકાત લીધી હતી. જેમાં સડેલા શાકભાજી મળ્યા હતા. જેથી ગંભીર આક્ષેપો અધિકારીઓ ઉપર કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી 16 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયોના ભોજનના ટેન્ડરો રદ્દ કરવાની કાર્યવાહી છોટાઉદેપુર પ્રયોજન વહીવટદારે હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે.
ગંભીર આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય ચાલે છે. છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલ તેમજ નસવાડી તાલુકાના તણખલા તેમજ બોડેલી તાલુકાના વડાતલાવ તેમજ કવાંટના ગોજારિયા તેમજ નસવાડી તાલુકાના કેશરપુરા એમ 16 જેટલી શાળાઓ પ્રયોજના વહીવટદાર હસ્તક ચલાવવામાં આવે છે. બાળકોને રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે 100થી વધુ બાળકો એક સાથે બીમાર થયા હતા. વાયરલ ઇન્ફેક્શન બાળકોને થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે બનેલી ઘટનાને લઈને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ડેડીયાપાડા ના ધારાસભ્ય શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં રસોડાની મુલાકાતમાં શાકભાજી સડેલા મળી આવ્યા હતા. ત્યારે માજી વિપક્ષના નેતાએ સરકાર ઉપર અને અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
કચેરી એકશનમાં
ડેડીયાપાડાના ધારાસભ્યએ અધિકારીઓને આડા હાથે લઇને ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને સ્વાસ્થ સાથે ચેડાં કરવામાં આવે છે. તેવા આક્ષેપો લગાવતા પ્રયોજના વહીવટદારની કચેરીના અધિકારીઓની છબી ખરડાઈ હતી. સાથે સરકારને પણ જવાબ આપવાનો વારો આવતા પડઘા ગાંધીનગર સુધી પડતા ગંભીર નોંધ લેવામાં આવી હતી. છોટાઉદેપુરની પ્રયોજના વહીવટદારની કચેરી એક્શનમાં આવીને છોટાઉદેપુર જિલ્લાની 16 શાળામાં ચાલતા ભોજનાલયોના ટેન્ડરો રદ્દ કરવાની કાર્યવાહી શરુ કરી છે.
વગર ટેન્ડરે 3 વર્ષથી ચલાવાતુ
પ્રયોજના વહીવટદારની કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ કાર્યવાહી ચાલુ છે. ટેન્ડર રદ્દ કરવામાં આવશે. જયારે વિપક્ષના નેતાઓનો આક્ષેપ છે કે, ભોજનના ટેન્ડરમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સારું ભોજન આપે તેવી એજન્સી ટેન્ડર આપીને સરકારને ફાયદો થાય તે રીતના ટેન્ડરો બહાર પાડી સ્પર્ધા કરાવી અને ટેન્ડર આપવામાં આવે. હાલ તો જે એજન્સીને રદ્દ કરવામાં આવી છે. તે એજન્સી છેલ્લા ત્રણ વર્ષથી ટેન્ડરની પ્રક્રિયાની મુદ્દત પૂર્ણ થઇ ગઈ હતી. વગર ટેન્ડરે ઈજારો ચલાવવામાં આવતો હતો. તેવી પરિસ્થિતિ ઉભી ના થાય તે માટે અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી છે. હાલ તો ટેન્ડર રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા બાળકોને હવે સારું ભોજન મળશે તેવું લાગી રહ્યું છે.








