બાળકોની સુરક્ષા કે શાળાઓની હકીકત છુપાવવાનો પ્રયાસ? શિક્ષણ વિભાગના પરિપત્ર સામે સવાલો

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતો એક કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકારનો તર્ક છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે લેવાયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ આદેશ બાદ વાલીઓ અને જનતામાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આ બાળકોની 'સુરક્ષા' માટેનો નિર્ણય છે કે પછી સરકારી શાળાઓની 'બદહાલી' છુપાવવાનો પ્રયાસ?
શિક્ષણ વિભાગનો તઘલખી પરિપત્ર
હવે સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે સ્કૂલની પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઓડિયો રેકોર્ડિંગ પણ કરી શકાશે નહીં. નિયમોનો ભંગ કરીને પ્રવેશ કરનાર અથવા બિનઅધિકૃત રીતે રેકોર્ડિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર સરકારી અધિકારી જ અપવાદ રહેશે.
મીડિયા પણ શાળાની દુદર્શાની હાલત ઉજાગર નહીં કરી શકે?
ત્યારે પરિપત્ર બાદ એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું લોકશાહીનું ચોથું સ્તંભ ગણાતું મીડિયા પણ શાળાની દુદર્શાની હાલત ઉજાગર નહીં કરી શકે? વારંવાર ઘણા કાર્યક્રમો યોજાય છે જેમાં શાળામાં ભાજપ કે કોઈ પક્ષના નેતા કોઈ કાર્યક્રમ માટે આવ્યા હોય તો શું સત્તાપક્ષના નેતાઓ પણ પૂર્વ લેખિત મંજૂરી સાથે શાળામાં પ્રવેશ કરશે? બીજી તરફ ઘણી શાળાઓમાં શિક્ષકોની પણ ઘટના રિપોર્ટ પણ સામે આવે છે, શિક્ષક વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારતો હોય તેવી ઘટનાઓ પણ છાશવારે જોવા મળે છે તો આવી ઘટનાઓ જો સરકારી શાળામાં બને તો આચાર્ય મીડિયા રિપોર્ટિંગ માટે સ્વાભાવિક છે કે તે મનાઈ જ ફરમાવશે.
આ સમસ્યાઓનું શું?
ભૂતકાળમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં શાળામાં શિક્ષક ઊંઘતા ઝડપાય છે, વિદ્યાર્થીઓ પાસે ભણતરની જગ્યાએ બિનજરૂરી કામ લેવામાં આવે છે. શિક્ષક દારૂ ઢીંચીને શાળાએ આવે છે, શિક્ષક-શિક્ષિકા રંગરેલીયા મનાવતા ઝડપાય છે, વિદ્યાર્થિની સાથે છેડતી તેમજ દુષ્કર્મના બનાવ બને છે તો શું તે ઉજાગર કરવું અને સ્થળ પર હાજર રહી તેની જવાબદેહી માંગવી જરૂરી નથી? શાળામાં ઑન રેકોર્ડ જો કોઈ ઘટના બને તો મંજૂરી વગર કેમેરામાં કેદ ન કરી શકાય એટલે કે વીડિયોગ્રાફી ન કરી શકાય જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ જોખમાશે તેવી ભીતિ સેવાઇ રહી છે.
શાળામાં જવાબદારી પૂર્વક રિપોર્ટિંગ થાય તે જરૂરી પણ
મીડિયા પણ જવાબદાર બની બાળકોની ગોપનિયતા તેમજ સુરક્ષા અને શિક્ષણ ન બગડે તે રીતે રિપોર્ટિંગ કરે તે જરૂરી છે પણ સુરક્ષાના નામે પરિપત્ર કરી શાળામાં થતી ગેરરીતિઓ અથવા તો વાલીઓ વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો આ પ્રયાસ સરકારની શિક્ષણ પ્રત્યેની જવાબદારી પર કાળા ધબ્બા સમાન છે.
ચોંકાવનારા સવાલો, સરકાર પાસે છે કોઈ જવાબ?
જર્જરિત બિલ્ડિંગ મોટી આફત કે કેમેરો?
રાજ્યની સેંકડો સરકારી શાળાઓ આજે જર્જરિત હાલતમાં છે. ક્યાંક ધાબાના પોપડા ઉખડી રહ્યા છે, તો ક્યાંક ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે. માસૂમ બાળકોના માથા પર મોત ભમતું હોય તેવી ઇમારતો વચ્ચે, તંત્રને બાળકોની ચિંતા છે કે કોઈ તેનો વીડિયો ઉતારી લેશે તેની?
પારદર્શિતાનો અંત?
લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ ગણવામાં આવે છે. જો સરકારી શાળાઓમાં બધું જ બરાબર ચાલતું હોય અને શિક્ષણનું સ્તર ઉત્તમ હોય, તો પછી કેમેરાની પ્રવેશથી તંત્ર કેમ ડરી રહ્યું છે? આચાર્યની લેખિત મંજૂરીના નિયમો બનાવીને વાસ્તવિકતા દબાવવાનો આ સીધો પ્રયાસ નથી?
જવાબદારીમાંથી છટકબારી?
સ્માર્ટ ક્લાસ અને ગુણોત્સવના દાવાઓ વચ્ચે જ્યારે વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવે છે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે. શાળાઓ સુધારવાને બદલે અવાજ ઉઠાવનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોકસો જેવી કાયદાકીય કાર્યવાહીની ધમકી આપવી કેટલી યોગ્ય?
લોકોનો આક્રોશ, શું આ તઘલખી નિર્ણય નથી?
સ્થાનિક વાલીઓ અને જાગૃત નાગરિકોનું કહેવું છે કે, જો કોઈ શાળામાં પીવાનું શુદ્ધ પાણી ન હોય, શૌચાલય ગંદા હોય કે ઓરડા તૂટેલા હોય, તો વાલીઓ લોકો, વિપક્ષના નેતાઓ કે મીડિયા અવાજ નહીં ઉઠાવે તો કોણ ઉઠાવશે? ઘણી વખત એવી હકીકતો સામે આવી છે કે અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને નિર્ણયો કરે છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જોખમી શાળાઓમાં ભણવા મજબૂર છે.
સરકારી પરિપત્રના આધારે શું કોઈ વ્યક્તિ સામે POCSO સહિતની કાર્યવાહી થઈ શકે ખરી
આ તમામ વચ્ચે કેટલાક ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે કે, આવા સરકારી પરિપત્રના આધારે શું કોઈ વ્યક્તિ સામે POCSO સહિતની કાર્યવાહી થઈ શકે ખરી? જો કોઈ આ પરિપત્રને હાઈકોર્ટમાં પડકારે, તો તેમાં રજૂ કરાયેલા વિવિધ નિયમો કાયદાકીય રીતે ટકી શકે તેમ છે ખરા? શું સરકારે આ નિયમો લાવતા પહેલાં કાયદાકીય નિષ્ણાતો, વકીલો, શાળાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ કે પછી વાલીઓ જોડે કોઈ પરામર્શ કર્યો હતો? શું તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા ખરા? કે પછી રાજ્યની શાળાઓની કથળતી સ્થિતિ ઉજાગર ન થાય તે માટે પ્રજા પર આ પરિપત્ર ઠોકી બેસાડવામાં આવ્યો છે?
સરકારે સમજવું પડશે કે નબળી કાયદો અને વ્યવસ્થા કે શાળાઓની દુર્દશા કાગળ પર પ્રતિબંધો લાદવાથી નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સુધારા કરવાથી જ દૂર થશે. જો શાળાઓ સુરક્ષિત અને ભવ્ય હશે, તો કોઈને કેમેરાથી ડરવાની જરૂર જ નહીં પડે.















