Video: શાળાઓમા બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર કડક પ્રતિબંધનો નિર્ણય

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદ્યો છે. નવા નિયમો મુજબ, શાળા પરિસરમાં પ્રવેશવા માટે હવે આચાર્યની લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે અને દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની તમામ વિગતો નોંધાવવી પડશે. આ ઉપરાંત, આચાર્યની પૂર્વ મંજૂરી વિના વર્ગખંડ, લાઇબ્રેરી કે રમતના મેદાનમાં પ્રવેશ કરવા તેમજ વિદ્યાર્થીઓના ફોટો, વીડિયો, લાઇવ સ્ટ્રીમિંગ કે ઓડિયો રેકોર્ડિંગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. શાળાઓને વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતીની ખાનગીપણું જાળવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તો આચાર્યને તેમને તાત્કાલિક બહાર કાઢવાની સત્તા આપવામાં આવી છે તેમજ તેમની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. તમામ નિરીક્ષણ અધિકારીઓને આ પરિપત્રનું શાળાઓમાં ચુસ્તપણે પાલન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.




