શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સુવિધાઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ટોયલેટ, પાણી અને સેનિટરી નેપકિનની તપાસ થશે, SCનો મોટો આદેશ

શાળાઓમાં માસિક ધર્મ સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) સુવિધાઓ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોના અમલીકરણ રિપોર્ટ સામે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રજૂ કરાયેલા જવાબો માત્ર ઔપચારિકતા જેવા જણાય છે અને તે જમીની વાસ્તવિકતાને યોગ્ય રીતે દર્શાવતા નથી.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠ 'જયા ઠાકુર વિરુદ્ધ ભારત સરકાર' કેસમાં આપેલા નિર્દેશોના પાલનની સમીક્ષા કરી રહી હતી. કેન્દ્ર તથા રાજ્યો દ્વારા રજૂ કરાયેલા તાજેતરના અહેવાલોની તપાસ કરતા કોર્ટે નોંધ્યું કે પ્રગતિ જરૂર થઈ છે, પરંતુ શાળાની વિદ્યાર્થિનીઓ માટે માસિક ધર્મના અધિકારને સાચા અર્થમાં સાર્થક બનાવવા માટે હજુ ઘણું કામ બાકી છે.
કેન્દ્ર સરકારના સોગંદનામા મુજબ, અગાઉ ૩૯,૪૩૯ કન્યા શૌચાલયોને કાર્યરત કરવાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવ્યા હતા. જેમાંથી ૩૦,૪૫૮ શૌચાલયો બની ચૂક્યા છે, ૪,૨૩૬ નિર્માણ હેઠળ છે અને ૪,૭૪૫ શૌચાલયોની ઘટ હજુ પણ બાકી છે.
જોકે, કોર્ટે નોંધ્યું કે કેટલાક રાજ્યો દ્વારા કરવામાં આવેલા સંપૂર્ણ અથવા લગભગ સંપૂર્ણ પાલનના દાવાઓ અને તેમના દ્વારા રજૂ કરાયેલા ડેટા વચ્ચે મોટો વિરોધાભાસ છે.
ઉદાહરણ તરીકે, શાળાઓની કુલ સંખ્યાની તુલનામાં દિવ્યાંગ બાળકો માટે સુલભ હોય તેવા શૌચાલયોની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં ઘણા રાજ્યોએ શૌચાલય સુવિધા ૧૦૦% પૂર્ણ થઈ ગઈ હોવાનું દર્શાવ્યું હતું. આસામ દ્વારા હાથ ધોવાની સુવિધાઓ અંગે રજૂ કરાયેલા ડેટામાં પણ કોર્ટે ખામીઓ દર્શાવી હતી અને તમિલનાડુના અલગ શૌચાલયોના સંપૂર્ણ દાવા સામે સવાલો ઉઠાવ્યા હતા.
આવી જ વિસંગતતાઓ કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન અને વિતરણ સાથે સંકળાયેલા ડેટામાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત બિહાર, ગુજરાત, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ દ્વારા રજૂ કરાયેલા સેનિટરી કચરાના નિકાલ સંબંધિત ડેટામાં પણ ખામીઓ સામે આવી છે, જ્યારે પંજાબનો રિપોર્ટ વાંચી શકાય તેવો જ નહોતો.
રાજ્યો માત્ર સિદ્ધિઓ નહીં, ખામીઓ પણ જણાવે: કોર્ટ
સુપ્રીમ કોર્ટે હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાલન અહેવાલ રજૂ કરવાની પદ્ધતિ બદલી નાખી છે.
ભવિષ્યના અહેવાલોમાં માત્ર કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તે દર્શાવવાને બદલે, કેટલી શાળાઓમાં હજુ પણ કન્યાઓ માટે અલગ શૌચાલય, વાપરી શકાય તેવા પાણીની સુવિધા, સુલભતા અને પ્રાઇવસી, સેનિટરી નેપકિન્સ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી તેની વિગતો આપવી પડશે.
રાજ્યોએ આ ઉણપો પાછળના કારણો અને તેને પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે તે પણ સ્પષ્ટપણે જણાવવું પડશે. અદાલતે કહ્યું કે તંત્રએ ખાસ કરીને દિવ્યાંગ બાળકોની જરૂરિયાતો પ્રત્યે વધુ સતર્ક રહેવું જોઈએ અને શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના માટે અનુકૂળ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ.
જિલ્લા સ્તરે ઓચિંતી તપાસના આદેશ
જમીની વાસ્તવિકતા જાણવા માટે અદાલતે જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEOs) ને શિક્ષકોની ટીમો બનાવીને તેમના સંબંધિત જિલ્લાઓમાં શાળાઓની અચાનક મુલાકાત (સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન) લેવાનો આદેશ આપ્યો છે.
આ તપાસ દરમિયાન શૌચાલયની ઉપલબ્ધતા, પાણી, સેનિટરી નેપકિન્સ, કચરાના નિકાલની સુવિધા અને માસિક ધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપન જેવા કોર્ટના આદેશોનું પાલન થાય છે કે નહીં તે ચકાસવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ તપાસના તારણો અને વિદ્યાર્થિનીઓ પાસેથી મળેલા પ્રતિભાવો (ફીડબેક) રેકોર્ડ પર રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સેનિટરી નેપકિનના નિયમોમાં સુધારો
સુપ્રીમ કોર્ટે શાળાઓમાં મફત અપાતા સેનિટરી નેપકિનના પ્રકાર અંગેના પોતાના અગાઉના નિર્દેશોમાં પણ ફેરફાર કર્યો છે.
અગાઉ સૂચવાયેલા 'ASTM D-6954' ધોરણોવાળા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સના સ્થાને હવે 'ISO 17088' અને 'IS 5405' ધોરણોને અનુરૂપ હોય તેવા સંપૂર્ણ બાયોડિગ્રેડેબલ, બાયોકમ્પેટીબલ અને કમ્પોસ્ટેબલ નેપકિન્સ આપવાના રહેશે.
કોર્ટે વાંસ (બામ્બૂ), ક્ષણ (જૂટ), કેળ (બનાના ફાઇબર), સ્ટાર્ચ અને મકાઈ જેવા કુદરતી સ્ત્રોતોમાંથી બનેલા બાયોડિગ્રેડેબલ ઉત્પાદનોનો ઉપયોગ કરવા ભલામણ કરી છે. સાથે જ પર્યાવરણને અનુકૂળ એવા રિયુઝેબલ સેનિટરી પેડ્સ, મેન્સ્ટ્રુઅલ કપ અને પિરિયડ અંડરવેર જેવી ચીજો તરફ ધીમે-ધીમે આગળ વધવા રાજ્યોને પ્રોત્સાહિત કર્યા છે.
આ સમગ્ર પ્રક્રિયા શાળાઓમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટેની રાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા નીતિના અમલીકરણ સંદર્ભે 'જયા ઠાકુર વિરુદ્ધ ભારત સરકાર' કેસમાંથી ઉદ્ભવી છે.
આ નિર્દેશો ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતી કિશોરીઓને આવરી લે છે, જેમાં સરકારી તેમજ ખાનગી શાળાઓમાં પાણી અને સાબુની સુવિધા સાથે અલગ કાર્યરત શૌચાલયો સુનિશ્ચિત કરવાનું રાજ્યો માટે ફરજિયાત છે.
આ ઉપરાંત કોર્ટે શાળાઓને વિનામૂલ્યે સેનિટરી નેપકિન્સ આપવા તેમજ ઇમરજન્સી માટે સ્પેર ઇનરવેર, યુનિફોર્મ અને ડિસ્પોઝેબલ પેડ્સ સાથેના 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ કોર્નર' સ્થાપવાનો પણ આદેશ આપ્યો છે.
આ કેસની હવે પછીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિયત કરવામાં આવી છે.

