Gujaratમાં બાળપણથી ગળપણથી ખતરો, રાજ્યના 21% બાળકો પ્રી-ડાયાબિટિક, શાળાઓમાં 'સુગર બોર્ડ' લગાવવા આદેશ

એક સમય હતો જ્યારે ડાયાબિટીસ એટલે મોટી ઉંમરની બીમારી એવી સામાન્ય માન્યતા હતી. પરંતુ બદલાતી જીવનશૈલી હવે આ માન્યતાને પડકારી રહી છે. ગુજરાતમાં 10થી 16 વર્ષની વયના બાળકો-કિશોરોમાં ડાયાબિટીસનું પ્રમાણ 2.9 ટકા નોંધાયું છે. દેશનું સરેરાશ પ્રમાણ 0.6 ટકા છે. ગુજરાતના બાળકોમાં ડાયાબિટીસના વધતા પ્રમાણને પગલે જ શાળાઓમાં ‘સુગર બોર્ડ’ ફરજિયાત કરવા આદેશ અપાયો છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અભ્યાસમાં ખુલાસો થયો છે કે, 10 વર્ષની વયના બાળકો દૈનિક કેલરીના સેવનમાં સરેરાશ 13 ટકા અને 11થી 18 વર્ષના કિશોરો 15 ટકા જેટલી અતિશય ખાંડનો ઉપયોગ કરી રહ્યા છે, જે વાસ્તવમાં પાંચ ટકા જેટલી જ હોવી જોઈએ. કેન્દ્ર સરકારના ‘ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા- 2025’ અહેવાલમાં આપેલા આંકડા મુજબ, 5થી 8 વર્ષની વયના ગુજરાતના 20.8 ટકા બાળકો અને 10થી 16 વર્ષની વયના 20.9 ટકા બાળકો લોહીમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે હોય તેવી પ્રી-ડાયાબિટીકની સ્થિતિમાં હોવાનું નોંધાયું છે.

ગુજરાતના બાળકો માટે ચિંતા માત્ર શર્કરા પૂરતી સીમિત નથી.
સ્કૂલોમાં પ્રસ્તાવિત ‘સુગર બોર્ડ’માં શું હોઈ શકે?
ખોરાકની સમજણ: કયા ખોરાકમાં કેટલી છુપી ખાંડ છે તેની માહિતી.
રમતનો સમય: દરરોજ શારીરિક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન.
વજન-ઊંચાઈની નોંધ: બાળકના વિકાસમાં અસામાન્ય ફેરફારની વહેલી ઓળખ.
જાગૃતિ સંદેશ: વધુ પડતા મીઠાં પીણાં, પેકેટ ખોરાક અને લાંબા સમય સુધી બેસી રહેવાના નુકસાન અંગે માહિતી.
લક્ષણોની ઓળખ: વારંવાર પેશાબ, વધારે તરસ, વજન ઘટવું જેવા સંકેતો અંગે બાળકો અને શિક્ષકોને સમજણ.

અહેવાલ મુજબ 10થી 16 વર્ષની વયના 6.4 ટકા બાળકોમાં લોહીમાં દબાણ ઊંચું નોંધાયું હતું, જ્યારે રાષ્ટ્રીય પ્રમાણ 4.9 ટકા હતું. આ જ વયજૂથમાં 4.4 ટકા બાળકોમાં કુલ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઊંચું અને આશરે 6 ટકા બાળકોમાં હાનિકારક કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે નોંધાયું હતું. બાળપણમાં જ આવા જોખમી પરિબળો દેખાવા લાગે તો ભવિષ્યમાં હૃદય અને રક્તવાહિની સંબંધિત બીમારીઓનું જોખમ વધવાની શક્યતા રહે છે.

અમદાવાદના શાળાકીય બાળકો પર થયેલા અગાઉના અભ્યાસોમાં પણ વધુ વજન અને સ્થૂળતા સાથે ઓછી શારીરિક પ્રવૃત્તિ, વધુ પડતો પડદા સામેનો સમય અને બિનપૌષ્ટિક ખોરાક વચ્ચે સંબંધ નોંધાયો હતો. ગુજરાતમાં દર પાંચમાંથી આશરે એક બાળક ભવિષ્યમાં ડાયાબિટીસના જોખમ તરફ ધકેલાઈ શકે તેવી ચેતવણી આપી હતી.


