ઈટાલીની શાળાઓમાં ચહેરો ઢાંકતા બુરખા-નકાબ પર લાગશે પ્રતિબંધ, PM મેલોનીનો મોટો નિર્ણય

ઇટાલીની સરકાર દેશભરની શાળાઓમાં બુરખો અને સંપૂર્ણ ચહેરો ઢાંકતા નકાબ પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહી છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રવિવારે આ અંગે જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. શાળાઓમાં અભ્યાસ માટે આવતા તમામ વિદ્યાર્થીઓનો ચહેરો સંપૂર્ણપણે ખુલ્લો હોવો જરૂરી છે અને પરંપરાના નામે ચહેરો ઢાંકવાની છૂટ આપી શકાય નહીં તેવો સરકારનો મત છે.
ક્લાસરૂમમાં ચહેરો ખુલ્લો રાખવો ફરજિયાત બનશે
વડાપ્રધાને (Italy PM Giorgia Meloni) આ નવી નીતિ અંગે વિગતો આપી હતી. આ દરખાસ્ત હેઠળ આખો ચહેરો ઢાંકી દેતા કપડાં જેવા કે બુરખા અને નકાબ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જોકે, હિજાબ પર આ નિયમ લાગુ થશે નહીં કારણ કે તેમાં માત્ર માથું અને વાળ ઢંકાય છે પરંતુ ચહેરો ખુલ્લો રહે છે. સરકારનું માનવું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્પષ્ટ ઓળખ, સમાન વ્યવસ્થા અને સામાજિક તાલમેલ જાળવવા માટે ચહેરો ખુલ્લો હોવો અનિવાર્ય છે.
વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી, નિયમ લવાશે
ચહેરાના નકાબ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત દરેક ક્લાસરૂમમાં વિદેશી મૂળના બાળકોની સંખ્યા મર્યાદિત કરવા માટે પણ સરકાર નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. હાલ ઇટાલીની શાળાઓમાં કુલ વિદ્યાર્થીઓમાંથી આશરે 11.6 ટકા વિદ્યાર્થીઓ બિન-ઇટાલિયન નાગરિકતા ધરાવે છે. સરકારનું માનવું છે કે જો વર્ગમાં આવા બાળકોની સંખ્યા ખૂબ વધી જાય તો તેમને સ્થાનિક ભાષા શીખવામાં અને શાળાના વાતાવરણમાં ભળવામાં મુશ્કેલી પડે છે. તેથી વિદ્યાર્થીઓ સ્થાનિક સંસ્કૃતિ અને ભાષા ઝડપથી અપનાવી શકે તે માટે વર્ગવાર એક ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવશે.
ઈટાલિયન ભાષા શીખવી ફરજિયાત!
આ યોજના હેઠળ જે વિદેશી બાળકોને અભ્યાસ અને ભાષા સમજવામાં વધારે મુશ્કેલી પડી રહી હોય, તેમના વાલીઓ માટે પણ ઈટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બાળકો પરિવાર અને શાળા વચ્ચે સરળતાથી સુમેળ સાધી શકે તે હેતુથી આ શરત જોડવામાં આવી છે. હાલ આ તમામ બાબતો પ્રસ્તાવિત તબક્કામાં છે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ આ નિયમો વિધિવત રીતે કાયદાનું સ્વરૂપ લેશે.

