World News: ઇઝરાયેલમાં રાજકીય ગરમાવો: આઇઝનકોટ બહુમતીના આંકડા નજીક, છતાં સત્તાનો સંગ્રામ અધૂરો

રાજકારણમાં કહેવત છે કે આંકડા ક્યારેક ચિત્ર સ્પષ્ટ કરે છે અને ક્યારેક તેને વધુ ગૂંચવી નાખે છે. ઈઝરાયલના રાજકારણમાં હાલ કંઈક આવું જ નાટકીય વળાંકવાળું વાતાવરણ સર્જાયું છે. લાંબા સમયથી સત્તા પર પકડ જમાવી બેઠેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે યશાર પક્ષના વડા ગાદી આઈઝનકોટ સ્પષ્ટ સરસાઈ મેળવતા જોવા મળ્યા છે. પ્રમુખ આઇઝેક હર્ઝોગ સમક્ષ યોજાયેલી બેઠકોમાં આઈઝનકોટને 120 સભ્યોની નેસેટમાંથી 67 સાંસદોનો ટેકો મળ્યો છે, જ્યારે નેતન્યાહૂ માત્ર 46 સાંસદોના સમર્થન પર અટકી ગયા છે. કાગળ પર આઈઝનકોટ બહુમતીનો 61 સીટોનો આંકડો વટાવી ગયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી તદ્દન વિપરીત છે. જે પક્ષોએ તેમને વડાપ્રધાન પદના મેન્ડેટ માટે આગળ કર્યા છે, તેમાંથી ઘણા પક્ષો તેમની સરકારમાં મંત્રીમંડળ કે ગઠબંધનમાં સીધા જોડાવા તૈયાર નથી.
આઈઝનકોટનો ‘રાષ્ટ્રીય ઈમરજન્સી સરકાર’ બનાવવાનો સંકલ્પ
પ્રમુખના નિવાસસ્થાને પ્રથમ તબક્કાની મંત્રણા પૂર્ણ થયા બાદ આઈઝનકોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ સ્વીકાર્યું કે સમર્થન મળ્યું હોવા છતાં સરકાર રચવાનો માર્ગ હજુ ખૂબ લાંબો છે. તેમણે કહ્યું કે, આ સપ્તાહે ‘ચેન્જ એન્ડ રિપેર’ પક્ષો સાથે પ્રથમ રાઉન્ડની વાતચીત અને બેઠકો પૂર્ણ થઈ. આજે સાંજે પ્રમુખના નિવાસસ્થાને પરામર્શનો દોર પૂર્ણ થયો, જેમાં સરકાર રચવા માટે રાજ્યના પ્રમુખ પાસેથી મેન્ડેટ મેળવવાના હેતુથી મારી તરફેણમાં ભલામણ કરનારાઓની પૂર્ણ બહુમતી મળી છે. અમારો ઉદ્દેશ્ય છે કે એક રાષ્ટ્રીય ઈમરજન્સી સરકારની સ્થાપના કરવી, જે આપણા દેશને સુરક્ષા અને સ્વસ્થતા તરફ પાછો લાવશે. આપણી આગળનો રસ્તો હજુ લાંબો છે; અમે ખૂબ દ્રઢનિશ્ચયી છીએ. અમે તે કરીશું અને સફળ થઈશું.
નેતન્યાહૂની મુશ્કેલી: પરંપરાગત સાથીએ જ હાથ ખંખેરી લીધા
બીજી તરફ, બેન્જામિન નેતન્યાહૂ માટે આ પરિણામ મોટો ઝટકો છે. નેતન્યાહૂને અગાઉ 53 સાંસદોનું સમર્થન મળવાની આશા હતી, પરંતુ તેઓ માત્ર 46 પર અટકી ગયા. તેનું મુખ્ય કારણ તેમનો પરંપરાગત અલ્ટ્રા-ઓર્થોડોક્સ સાથી પક્ષ ‘યુનાઈટેડ તોરાહ જુડેઈઝમ’ બન્યો છે. યુટીજે પક્ષે આ વખતે નેતન્યાહૂ કે આઈઝનકોટ બેમાંથી કોઈને પણ સમર્થન કે ભલામણ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. આ એકતરફી પીછેહઠથી નેતન્યાહૂની ગણતરીઓ ઊંધી વળી ગઈ છે.
જોઈન્ટ લિસ્ટનો ગેમચેન્જર નિર્ણય: નેતન્યાહૂને રોકવા આપ્યું સમર્થન
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, આ સમગ્ર રાજકીય ગણિતમાં આરબ આગેવાની હેઠળની ‘જોઈન્ટ લિસ્ટ’ પાર્ટીનો નિર્ણય નિર્ણાયક સાબિત થયો. અગાઉ આ પક્ષ મતદાન કે ભલામણથી દૂર રહેશે તેવા સંકેત હતા, પરંતુ ગુરુવારે યોજાયેલી બેઠકમાં તેમણે સર્વાનુમતે આઈઝનકોટનું નામ આગળ કર્યું. જોઈન્ટ લિસ્ટના અધ્યક્ષ યુસેફ જબારીને સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય નેતન્યાહૂને સત્તા પરથી દૂર રાખવાનો છે.
બહુમતી છતાં આઈઝનકોટ માટે સરકાર બનાવવી કેમ મુશ્કેલ છે?
ભલે આઈઝનકોટ પાસે 67 સાંસદોની ભલામણ છે, પરંતુ ગઠબંધન સરકાર બનાવવામાં જટિલ અવરોધો છે.
બિનશરતી સમર્થન માત્ર 48 સાંસદોનું:
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, 67 માંથી માત્ર 48 સાંસદો જ એવા છે જેઓ કોઈપણ પૂર્વશરત વગર સાથે કામ કરવા તૈયાર છે. આ સંખ્યા નેતન્યાહૂના જૂના 53 સીટોના બ્લોક કરતા પણ 5 ઓછી છે.
સરકારમાં જોડાવા સામે જોઈન્ટ લિસ્ટનો ઈનકાર:
જોઈન્ટ લિસ્ટે આઈઝનકોટને વડાપ્રધાન પદના મેન્ડેટ માટે ટેકો આપ્યો છે, પરંતુ તેઓએ સ્પષ્ટ કર્યું છે કે યહૂદી વિપક્ષ સાથે તેમના નીતિવિષયક મોટા મતભેદો છે. તેઓ સરકારમાં મંત્રી તરીકે સામેલ નહીં થાય, માત્ર બહારથી ટેકો આપી શકે છે.
આરબ પક્ષો સામે લિબરમેનનો વિરોધ:
યિસરાયેલ બેઈતેનુ પક્ષના નેતા અવિગ્દોર લિબરમેને જાહેરાત કરી છે કે તેઓ એવી કોઈ સરકારનો ભાગ નહીં બને જે આરબ પક્ષો (જોઈન્ટ લિસ્ટ અને રા'અમ)ના ટેકા પર નિર્ભર હોય.
અલ્ટ્રા-ઓર્થોડોક્સ સૈન્ય ભરતી વિવાદ:
યુટીજે પક્ષ હરેદી પુરુષોને સૈન્ય સેવામાંથી મુક્તિ આપવાની માગણી પર અડગ છે. આઈઝનકોટના કેમ્પમાં રહેલા પક્ષો આ છૂટછાટનો સખત વિરોધ કરી રહ્યા છે, જેથી યુટીજેને સાથે લેવું અશક્ય જેવું છે.
નેતન્યાહૂનો આક્રમક પ્રચાર:
લિકુડ પક્ષ અને નેતન્યાહૂ પહેલેથી જ આરબ પક્ષોના સમર્થનથી બનનારી સરકારની કાયદેસરતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, જે આઈઝનકોટની રાજકીય સ્થિરતા પર પ્રહાર કરી શકે છે.
રાજકીય અનુભવની ખામી:
નેતન્યાહૂ પાસે જટિલ ગઠબંધનો સાચવવાનો દાયકાઓનો અનુભવ છે, જ્યારે આઈઝનકોટ પાસે આવી રાજકીય સોદાબાજીનો પૂરતો અનુભવ નથી.
રવિવારે લેવાશે અંતિમ નિર્ણય
61થી વધુ સાંસદોનું સમર્થન મળ્યું હોવા છતાં, ઈઝરાયલના પ્રમુખ આઇઝેક હર્ઝોગે હજુ સુધી સત્તાવાર રીતે આઈઝનકોટને સરકાર રચવાનું મેન્ડેટ સોંપ્યું નથી. સમાચાર એજન્સી ANI અનુસાર, રવિવારે અંતિમ નિર્ણય લેતા પહેલાં તેઓ રાજકીય પક્ષો સાથે વધુ મંત્રણા કરશે. હવે સમગ્ર વિશ્વની નજર રવિવાર પર ટકેલી છે કે શું ઈઝરાયલમાં નેતન્યાહૂ યુગનો અંત આવશે કે પછી આઈઝનકોટ માટે આ આંકડા માત્ર કાગળની જીત સાબિત થશે.









