'દુનિયામાં બહુ ઓછા લોકો છે જે...', શુભમન ગિલે ODI વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાના મહત્ત્વ વિશે વાત કરી

ભારતીય ODI ટીમના કેપ્ટન શુભમન ગિલે ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મહત્ત્વ અંગે વાત કરી છે. તેણે કહ્યું કે વિશ્વ ક્રિકેટમાં બહુ ઓછા એવા ખેલાડીઓ છે, જેઓ હાર્દિક જેવી ક્ષમતા ધરાવતા હોય. હાર્દિકની ઓલરાઉન્ડ ક્ષમતા ગિલને અલગ-અલગ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરવાની તક આપે છે. નવી અને જૂની બંને બોલથી બોલિંગ કરવાની તેની ક્ષમતા ભારતને મેચના દરેક તબક્કામાં વધારાના વિકલ્પો પૂરા પાડે છે.
જોકે, આગામી વર્ષે યોજાનારા ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ભારતીય ટીમ માટે હાર્દિકની ફિટનેસ મોટી ચિંતાનો વિષય રહી છે. IPL 2026 બાદથી સ્ટાર ઓલરાઉન્ડર સતત ઈજાઓનો સામનો કરી રહ્યો છે. તે બે વખત ટીમમાં વાપસી કરવાની નજીક પહોંચ્યો હતો, પરંતુ બંને વખત તેને નવી ઇજાઓ થઈ હતી, જેના કારણે તેની વાપસીમાં વિલંબ થયો હતો.
ગયા મહિને ઓસ્ટ્રેલિયા A સામેની 50 ઓવરની સિરીઝ માટે હાર્દિકની પસંદગી ઈન્ડિયા Aની ટીમમાં કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન તેને શિન (પિંડળી) માં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેની વાપસી વધુ પાછળ ઠેલાઈ હતી અને તે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો.
પોતાની રિકવરીનું યોગ્ય સંચાલન કરવા માટે હાર્દિક IPL બાદ બેંગલુરુમાં રહેવા ગયો છે અને ત્યાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.
શુભમન ગિલે ખુલાસો કર્યો હતો કે હાર્દિકની ભૂમિકા અંગે બંને વચ્ચે ઘણી વખત ચર્ચા થઈ છે.
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગિલે કહ્યું, "અમારી વચ્ચે ઘણી વખત વાતચીત થઈ છે. તે એક શાનદાર ખેલાડી છે. દુનિયામાં બહુ ઓછા ખેલાડીઓ છે, જે તેના જેવું પ્રદર્શન કરી શકે છે. આશા છે કે તે કેટલીક ડોમેસ્ટિક મેચો રમશે અને ટીમમાં વાપસી કરશે. ઈન્ડિયા Aની મેચ પહેલા તેને નાની ઈજા થઈ તે દુર્ભાગ્યપૂર્ણ હતું."
'નંબર 7 અને 8ની સમસ્યા પણ દૂર થઈ જશે'
શુભમન ગિલનું માનવું છે કે હાર્દિકની વાપસીથી ભારતીય ટીમના લોઅર મિડલ ઓર્ડરની ચિંતા પણ દૂર થઈ જશે. ખાસ કરીને નંબર 7 અને 8ના બેટિંગ ક્રમને લઈને ટીમને જે સમસ્યા છે, તેનો ઉકેલ મળી શકે છે. ભારતીય કેપ્ટને કહ્યું કે આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તે ટીમના બેટિંગ ગ્રુપથી ખુશ છે.
ગિલે કહ્યું, "જ્યારે પણ હાર્દિક ભાઈ વાપસી કરશે, ત્યારે નંબર 7 અને 8ની જવાબદારી પણ સારી રીતે સંભાળી લેવામાં આવશે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હું અમારી બેટિંગ ટીમથી ખુશ છું."
હાર્દિક ઉપરાંત ભારતીય ટીમને જસપ્રીત બુમરાહની પણ ખોટ વર્તાશે. બુમરાહનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તેને ODI સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે.
બીજી તરફ, શુભમન ગિલ અને કેએલ રાહુલ પણ છેલ્લી બે મેચોમાં નહીં રમે. બંને ખેલાડીઓ આગામી ટેસ્ટ સિરીઝની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI સિરીઝની શરૂઆત 4 નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્કમાં થશે. સિરીઝની અંતિમ મેચ 15 નવેમ્બરે માઉન્ટ માઉગાંનુઈમાં રમાશે.








