ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, 14 વર્ષના લાંબા ક્રીયારનો આવ્યો અંત

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલ ઓસ્ટ્રેલિયન મર્યાદિત ઓવરની ટીમનો મુખ્ય સભ્ય રહ્યો છે અને તેણે ટીમ માટે ઘણા રન બનાવ્યા છે. મેક્સવેલે 2026ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હવે થોડા મહિના પછી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, તે બિગ બેશ લીગમાં રમવાનું ચાલુ રાખશે.
ગ્લેન મેક્સવેલે નિવૃત્તિની જાહેરાત કરી
ગ્લેન મેક્સવેલે ફાઈનલ વર્ડ પોડકાસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી. મેક્સવેલે 2012માં ડેબ્યુ કર્યું હતું અને તેની 14 વર્ષની કારકિર્દીનો હવે અંત આવી ગયો છે. મેક્સવેલે જણાવ્યું કે તાજેતરના T20 વર્લ્ડ કપ પછી તેની કારકિર્દી વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ દ્વારા તેના પર નિવૃત્તિ લેવાનું દબાણ નહતું કરવામાં આવ્યું અને તેણે દરવાજો ખુલ્લો છોડી દીધો હતો. મેક્સવેલે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન સિલેક્ટર્સ ભવિષ્ય પર નજર રાખીને આગળ વધવા માંગે છે.
ફેરવેલ મેચ ન મળવાથી દુઃખી
પોડકાસ્ટ પર ગ્લેન મેક્સવેલે ખુલાસો કર્યો કે તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર નિવૃત્તિ લેવા માંગતો હતો, પરંતુ તેને તક ન મળી. મેક્સવેલે કહ્યું, "મને થોડી આશા હતી કે મને MCG પર ફેરવેલ મળશે. જોકે, હું સમજું છું કે ઓસ્ટ્રેલિયન ટીમ કઈ દિશામાં જઈ રહી છે. ફેરફારો ચાલુ રહેશે. 2028ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને, તે આગામી 12થી 24 મહિનામાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તકો આપવા માંગે છે. તેમને દબાણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા ચે, જે BBL મેચમાં નથી મળતું."
મેક્સવેલની કારકિર્દી કેવી રહી છે?
ગ્લેન મેક્સવેલે ઓગસ્ટ 2012માં શારજાહમાં અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે 130 T20I રમી છે, જેમાં 5 સદી અને 12 અડધી સદી સહિત 2897 રન બનાવ્યા છે. મેક્સવેલ બોલિંગમાં પણ ખૂબ સફળ રહ્યો છે, 130 મેચમાં 51 વિકેટ લીધી છે. તેણે 149 ODI રમી છે અને 33.81ની એવરેજથી 3990 રન બનાવ્યા છે.
મેક્સવેલે ODIમાં ચાર સદી અને 23 અડધી સદી ફટકારી હતી. તેની સૌથી યાદગાર ઈનિંગ 2023ના ODI વર્લ્ડ કપમાં હતી, જ્યારે તેણે અફઘાનિસ્તાન સામે બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ભવ્ય વિજય અપાવ્યો હતો. મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે બે ODI વર્લ્ડ કપ અને એક T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયન ટીમની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.






