'જીવનમાં મને કોઈનો સાથ નથી મળ્યો', ટીમ ઈન્ડિયામાં તક ન મળતાં ભાવુક થયો સરફરાઝ ખાન

મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનને શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ થવા બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક નહતી મળી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ કે ત્યાં રમાયેલી ત્રણ ઈન્ડિયા A મેચો માટે પણ તેની પસંદગી નહતી કરવામાં આવી.
સોમવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન સરફરાઝ ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું, "મને તો એ પણ ખબર નહોતી કે શ્રીલંકા પ્રવાસ માટે મને બોલાવવામાં આવશે. ત્યારબાદ હું મુંબઈ માટે રમવા પાછો આવ્યો. ભવિષ્યમાં શું થશે તે હું સમજી શકતો નથી."
તેણે વધુમાં કહ્યું, "હું અત્યારે માત્ર ક્રિકેટ રમી રહ્યો છું. જ્યારે પણ અને જ્યાં પણ રમવાની તક મળશે, ત્યાં રમીશ. જો મને ઉચ્ચ સ્તરે રમવા માટે બોલાવવામાં આવશે તો જઈશ, નહીં તો અહીં (રણજી ટ્રોફીમાં) રમીશ."
ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા છતાં નેશનલ સિલેક્ટર્સને વિદેશી પરિસ્થિતિઓ ખાસ કરીને સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (SENA) માં સરફરાઝની ક્ષમતા અંગે શંકા હોવાનું માનવામાં આવે છે. આ વાત સરફરાઝ સુધી પણ પહોંચી છે.
તેણે કહ્યું, "સિલેક્ટર્સ તરફથી સીધી આવી કોઈ વાત સાંભળી નથી, પરંતુ તાજેતરમાં જ્યારે હું ભારતીય ટીમ સાથે ગયો હતો, ત્યારે મને જાણવા મળ્યું કે તેઓ મને માત્ર ભારતીય પરિસ્થિતિઓમાં રમવા માટે યોગ્ય માને છે. પરંતુ મારો એક સવાલ છે કે મેં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટીમની અંદર રમાયેલી પ્રેક્ટિસ મેચોમાં 60 બોલમાં સદી ફટકારી છે. એવું નથી કે મેં વિદેશી ધરતી પર રન નથી બનાવ્યા. જોકે, આ તેમનો દૃષ્ટિકોણ છે. મારું કામ ક્રિકેટ રમવાનું છે."
સરફરાઝે વધુમાં કહ્યું, "ક્યારેક તમે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરો છો અને તમને એવી પિચ પર રમવું પડે છે, જ્યાં બોલ ખૂબ જ ટર્ન થાય છે. તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી મહેનત કરીને ત્યાં પહોંચ્યા હોવ છો, છતાં દરેક વખતે સારું પ્રદર્શન કરવું શક્ય નથી. આવી પરિસ્થિતિઓમાં 30-40 રન પણ પૂરતા સાબિત થઈ શકે છે."
તેનું આ નિવેદન કદાચ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે પુણે અને મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચોની સ્પિનને મદદ કરતી પિચો તરફ ઈશારો કરતું હતું, જ્યાં તે સારું પ્રદર્શન નહતો કરી શક્યો.
97 કિલોમાંથી 22 કિલો વજન ઘટાડ્યું
એક સમયે સરફરાઝ ખાનનું વજન 97 કિલો હતું, પરંતુ હવે તેણે 22 કિલો વજન ઘટાડીને પોતાની ફિટનેસમાં સુધારો કર્યો છે. તેણે કહ્યું, "મને કોઈએ વજન ઘટાડવા માટે નહતું કહ્યું. સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ આ વિશેની વાતો સાંભળી હતી. ત્યારબાદ મેં વજન ઘટાડવા માટે મહેનત શરૂ કરી."
તેણે મજાકમાં કહ્યું, "મને લાગે છે કે જ્યારે હું જાડો હતો ત્યારે વધુ રન બનાવતો હતો. હવે ફિટનેસ સુધરી છે તો મોટી ઈનિંગ્સ ઓછી જોવા મળે છે. પરંતુ એવું નથી. હું હજુ પણ રન બનાવી રહ્યો છું. દરેક વર્ષ એકસરખું ન હોઈ શકે. જ્યાં સુધી તમે ખરાબ ફોર્મમાં ન હોવ ત્યાં સુધી બધું બરાબર છે. ક્યારેક હું 150 રન બનાવું છું, તો ક્યારેક 40 કે 50 રન. કેટલીકવાર ખરાબ નિર્ણયનો પણ સામનો કરવો પડે છે. આ બધું રમતનો ભાગ છે. મોટી ઈનિંગ્સ પણ આવશે."
10 વર્ષથી પિતાની સાથે કરેલી મહેનત આજે પણ ચાલુ
સરફરાઝે કહ્યું કે દરેક નવી સિઝનમાં ફરીથી શરૂઆત કરવી મુશ્કેલ હોય છે. રન બનાવવા સરળ નથી. તે આજે પણ એ જ રૂટિન ફોલો કરે છે, જે તેણે પોતાના પિતા સાથે ક્રિકેટની શરૂઆત કરતી વખતે અપનાવી હતી.
તેણે કહ્યું, "હું અને મારા અબ્બુ (પિતા) જ્યારે શરૂઆત કરી હતી ત્યારે જે રીતે મહેનત કરતા હતા, આજે પણ એ જ રીતે કરું છું. ઓફ-સિઝનમાં પણ રજાના દિવસો લીધા વિના પ્રેક્ટિસ કરું છું. મને ખબર નથી કે હું કેટલા રન બનાવીશ, પરંતુ 10 વર્ષ પહેલા જ્યારે મેં રણજી ટ્રોફી રમવાની શરૂઆત કરી હતી ત્યારે જેટલી મહેનત કરતો હતો, આજે પણ એટલી જ મહેનત કરું છું."
તેણે વધુમાં કહ્યું, "જો કોઈને સરફરાઝ ખાનને શોધવો હોય તો મારા ઘરનું સરનામું પૂછવાની જરૂર નથી. સવારે 6 વાગ્યે આઝાદ મેદાન અથવા ક્રોસ મેદાન પર આવી જજો. હું ત્યાં મળી જઈશ."
તેણે કહ્યું કે ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નથી મળતી. આ સફર મુશ્કેલ છે, પરંતુ આ જ કરવાનું છે અને તેના વિશે વધારે કંઈ કરી શકાય તેમ નથી.
ભારત માટે રમવાની પ્રેરણા પિતાની મહેનત છે
જ્યારે સરફરાઝને પૂછવામાં આવ્યું કે શું લાંબી સફર દરમિયાન તેણે પ્રેરણા ગુમાવી દીધી છે, ત્યારે તેણે જવાબ આપ્યો, "હું પોતાને પણ આ જ સવાલ પૂછું છું. સવારે 5 વાગ્યે ઊઠીને પ્રેક્ટિસ માટે જવાની શું જરૂર છે?"
તેણે આગળ કહ્યું, "હું ભારત માટે રમી ચૂક્યો છું. સામાન્ય મહેનત કરીને હું મુંબઈ માટે રણજી ટ્રોફીમાં સરળતાથી રમી શકું છું. હું હજુ પણ સદી ફટકારી રહ્યો છું. પરંતુ જ્યારે હું મારા પિતાને મહેનત કરતા અને પરસેવો પાડતા જોઉં છું, ત્યારે તેમના માટે વધુ મહેનત કરું છું."
વાતચીત દરમિયાન એક તબક્કે સરફરાઝ ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું, "બધા જાણે છે કે જીવનમાં મને કોઈનો સાથ નથી મળ્યો. જો કોઈએ મને સાથ આપ્યો હોય તો તે મારા પિતા છે. તેમના સિવાય બીજા કોઈએ મને સાથ નથી આપ્યો. મેં ખૂબ મહેનત કરી અને મારા પિતાનું સપનું પૂરું કર્યું. અહીં સુધી પહોંચવા માટે મેં ઘણી મોટી સદીઓ ફટકારી છે. આજના સમયમાં ભારતીય ટીમ માટે રમવું સરળ નથી."
અંતમાં તેણે કહ્યું, "મારી પ્રેરણા સતત ક્રિકેટ રમતા રહેવાની છે. મને લાગે છે કે હું ક્રિકેટ માટે જ બન્યો છું. મને ઘરે બેસવું ગમતું નથી."








