ભારત 52 વર્ષ પછી ODI વર્લ્ડ ચેમ્પિયન બન્યું, આજના જ દિવસે પહેલીવાર ટ્રોફી ઉપાડીને રચ્યો હતો ઈતિહાસ

52 વર્ષની રાહ. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પૂછો કે પાંચ દાયકા સુધી વર્લ્ડ કપ ન જીતવાનું દુઃખ શું હોય છે. પરંતુ 2025માં આજના દિવસે, 2 નવેમ્બરે ભારતીય મહિલાઓએ ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયાએ મહિલા ODI વર્લ્ડ કપ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પોતાના ટાઈટલ દુષ્કાળનો અંત લાવ્યો.
મહિલા ODI ક્રિકેટ 1973માં શરૂ થયું હતું અને ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવા માટે 52 વર્ષ રાહ જોવી પડી હતી. અગાઉ, ભારતીય ટીમ 2005 અને 2017ની ફાઈનલમાં રમી હતી, પરંતુ બંને વખત ટ્રોફી જીતવાની ખૂબ નજીક પહોંચી હતી, છતાં તે નિષ્ફળ ગઈ હતી.
ભારત 2 નવેમ્બર ક્યારેય નહીં ભૂલાય
ભારતીય ફેન્સ 2 નવેમ્બર, 2025ની તારીખ ક્યારેય નહીં ભૂલે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરવા આવી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી ઉત્તમ ફોર્મમાં હતી. બંનેએ ફાઈનલના દબાણનો સામનો કર્યો અને પ્રથમ વિકેટ માટે 104 રન ઉમેર્યા, ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ વિજયનો પાયો નાખ્યો. વર્માએ 87 અને મંધાનાએ 45 રન બનાવ્યા. જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર ખાસ અસર કરવામાં નિષ્ફળ રહ્યા. દીપ્તિ શર્માએ બેટિંગમાં 58 રનનું યોગદાન આપ્યું, જેનાથી ટીમ ઈન્ડિયા 298 રન સુધી પહોંચી શકી.
લૌરા વોલ્વાર્ડની સદીએ અને ભારતીય ફેન્સના વધતા ધબકારા
જવાબમાં, દસાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડની શરૂઆતથી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટ્રોફી ગુમાવશે. જોકે, બીજા છેડે કોઈ પણ બેટ્સમેન ટકી ન શકી. વોલ્વાર્ડે ધીમે ધીમે ઈનિંગને સ્થિર કરી અને 101 રનની સદી ફટકારી. તે 42મી ઓવર સુધી ક્રીઝ પર રહી, જેનાથી ભારતીય ફેન્સના ધબકારા વધી ગયા હતા.
દીપ્તિ શર્માએ વિરોધી કેપ્ટનને આઉટ કરતા ભારતીય ફેન્સે રાહતનો શ્વાસ લીધો. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ હાર માની લીધી અને તેની આખી ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત 52 રનથી જીતીને પ્રથમ વખત ODI વર્લ્ડ ચેમ્પિયન બન્યું.






