WCLમાં નહીં રમાય ભારત અને પાકિસ્તાનની મેચ, PCBએ ખેલાડીઓને NOC આપવાનો કર્યો ઈનકાર

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ની ત્રીજી સિઝનમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં રમવા માટે જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાનો ઈનકાર કરી દીધો હતો, જેના પગલે ટીમે સોમવારે આ નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ચેમ્પિયન્સના જણાવ્યા અનુસાર, તે બોર્ડના નિર્ણયનું સન્માન કરે છે, પરંતુ વિશ્વકક્ષાની આ ટુર્નામેન્ટમાં તેના ખેલાડીઓ રમી શકશે નહીં તે અંગે નિરાશ છે.
PCB અને ટીમ વચ્ચે સહમતિ ન સધાઈ
પાકિસ્તાન ચેમ્પિયન્સના માલિક કામિલ ખાને PCBને આ નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરી હતી. ટીમ અને બોર્ડ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, પરંતુ કોઈ સહમતિ બની શકી નહીં. આ સમગ્ર વિવાદ ગત સિઝન સાથે જોડાયેલો છે. ગત સિઝનમાં રાજકીય તણાવને કારણે ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટના બાદ PCBએ આયોજકોની ટીકા કરી હતી અને પોતાના ખેલાડીઓના આ લીગમાં રમવા પર નિયંત્રણો મૂક્યા હતા.
વિવાદાસ્પદ શરતોને કારણે મામલો અટક્યો
અહેવાલો મુજબ, PCBએ ખેલાડીઓને NOC આપવા માટે કેટલીક આકરી શરતો મૂકી હતી. જેમાં ગત વર્ષે મેચ ન રમવા બદલ ભારતીય ખેલાડીઓ તરફથી લેખિત માફી અને બંને ટીમો વચ્ચે હાથ મિલાવવાની ખાતરી જેવી બાબતો સામેલ હતી. આયોજકોએ બોર્ડની કેટલીક શરતો સ્વીકારી લીધી હતી, પરંતુ માફી અને હાથ મિલાવવાની માંગણીઓ ફગાવી દીધી હતી. વાતચીત નિષ્ફળ રહેતા અંતે પાકિસ્તાન ચેમ્પિયન્સે ટુર્નામેન્ટમાંથી હટવાનો નિર્ણય લીધો હતો.
10 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય
પાકિસ્તાન ચેમ્પિયન્સના હટી જવાથી આગામી 10 ઓક્ટોબરના રોજ યોજાનારી ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પણ રદ થઈ ગઈ છે. WCL આયોજકોએ આ વાતની પુષ્ટિ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે ત્રીજી સિઝન 6 ટીમો સાથે જ આગળ વધશે.
અગાઉની બંને સિઝનમાં પાકિસ્તાન રનર-અપ રહ્યું હતું
પાકિસ્તાન ચેમ્પિયન્સ WCLની અગાઉની બંને સિઝનમાં રનર-અપ રહ્યું હતું. 2024માં પ્રથમ સિઝનની ફાઈનલમાં તેને ભારત ચેમ્પિયન્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2025ની ફાઈનલમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવ્યું હતું.

