Video: કચ્છના બન્નીના ભિરડીયારામાં ખેડૂતોના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવાયાનો આક્ષેપ

કચ્છના સરહદી છેવાડે આવેલા બન્ની વિસ્તારના ભિરડીયારા ગામમાં ફોરેસ્ટ વિભાગ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા કોઈ પણ જાતની આગોતરી નોટિસ આપ્યા વિના જ તેમના ખેતરોમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દઈ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પશુપાલન અને ખેતી પર નિર્ભર આ સરહદી પરિવારોની આજીવિકા સામે હવે ગંભીર સંકટ ઊભું થયું છે. સ્થાનિક આગેવાનો હબીબ જત અને રાયશી અયુબ હારૂને આ મામલે ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે. એટલું જ નહીં, ગ્રામજનોએ ધોરડો પોલીસ સ્ટેશનના મહિલા PI અને ફોરેસ્ટ વિભાગના RFO ઈશ્વરભાઈ મહેશ્વરી સામે ધાકધમકી આપવાના ગંભીર આરોપો પણ લગાવ્યા છે. વન વિભાગ અને પોલીસ તંત્રની આ કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને પીડિત ખેડૂતોએ ન્યાય મેળવવા માટે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની કાયદાકીય લડતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.




