ગોધરા NEET કૌભાંડ મુદ્દે કાર્યવાહી, રતનપુર કાંટડીના ડે. સરપંચને પદ પરથી હટાવાયો
ગોધરા બહુચર્ચિત નીટ પરીક્ષા કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલના સંચાલક દિક્ષિત પટેલને ડેપ્યુટી સરપંચ પદેથી દુર કરાયો. છ

ગોધરા બહુચર્ચિત નીટ પરીક્ષા કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલના સંચાલક દિક્ષિત પટેલને ડેપ્યુટી સરપંચ પદેથી દુર કરાયો. છેલ્લા બે માસથી જયુડિશયલ કસ્ટડીમાં હોવાથી પંચાયતી ધારા મુજબ ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના રતનપુર કાંટડીના ડેપ્યુટી સરપંચ દિક્ષિત પટેલને પદ પરથી દુર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, દિક્ષિત પટેલની નીટ કૌભાંડમાં સીબીઆઈ ટીમે ધરપકડ કરી હતી. નીટ કૌભાંડના દિક્ષિત પટેલ સહિત ૬ આરોપીઓ જયુડિશયલ કસ્ટડીમાં રહેલા છે.
NEET પરીક્ષા કૌભાંડમાં દેશભરમાં પરીક્ષાર્થીઓના વિરોધ બાદ CBIને તપાસ સોપવામાં આવી છે. CBIની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલ માટે મહત્ત્વની ગણાતી નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. CBIએ આ કેસમાં 8 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. CBIએ આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ આપી છે.
મળતી માહિતી અનુસાર CBIના 6 અધિકારીઓ દ્વારા ગોધરાના સર્કિટ હાઉસ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસથી CBIના અધિકારીઓએ NEET કૌભાંડમાં ગોધરામાં ધામા નાખ્યા છે. કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. CBI દ્વારા અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં NEET કૌભાંડમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થઇ શકે છે.
ગોધરા નીટ કૌભાંડમાં 5 સૂત્રધાર સામે CBIએ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. દેશભરમાં ચકચાર જગાવનારા નીટ પરીક્ષા કાંડમાં ગોધરાનું પરીક્ષા કેન્દ્ર પણ ચર્ચામાં આવ્યું હતું. ગોધરાની જય જલારામ સ્કૂલના સેન્ટરમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના આયોજનની તપાસ CBI પોલીસ મથકે આરોપીઓ સામે IPCની કલમ 120 (બી), 409, 420, 477A, 511, 201 અને 7(A), 8,12 કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
CBIએ તપાસ હાથ ધરતા આરોપી તુષાર ભટ્ટ, પરશુરામ રોય,આરીફ વોરા, વિભોર આનંદનો કબજો લીધા બાદ જયજલારામના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. CBI દ્વારા નીટ પરીક્ષાની તપાસ કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.








