મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખાનગી શાળા ઉપર અમદાવાદ DEO મહેરબાન, સરકારી શાળામાં ચેકિંગ જ્યારે ખાનગી શાળાઓને લીલા લેર

આજથી શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે ત્યારે વહેલી સવારથી બાળકો શાળાએ અભ્યાસ માટે પહોંચી ગયા હતા. અમદાવાદમાં થલ

ખાનગી શાળા ઉપર અમદાવાદ DEO મહેરબાન, સરકારી શાળામાં ચેકિંગ જ્યારે ખાનગી શાળાઓને લીલા લેર

આજથી શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે ત્યારે વહેલી સવારથી બાળકો શાળાએ અભ્યાસ માટે પહોંચી ગયા હતા. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ શાળા ખાતે રાજા રામ પ્રજા સુખી જેવી સ્થિતિ જોવા મળી હતી. બાળકોને ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં ભરવામાં આવ્યા હતા અને CNGના બાટલા ઉપર જીવના જોખમે બાળકો શાળાએ આવ્યા હતા. એક બાજુ રાજકોટ અગ્નિકાંડની શાહી સુકાઇ નથી ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતો કોઇ મોટા જોખમ તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકારના નિયમો આ ખાનગી શાળાઓ ઘોળીને પી ગઇ હોય તેમ લાગી રહ્યું છે.

સરકારી શાળામાં ચેકિંગ તો ખાનગી શાળામાં કેમ નહીં?

બીજી તરફ અમદાવાદ DEO શહેરની કામગીરી ઉપર સવાલો ઉભા થાય છે. બે થી ત્રણ દિવસ અગાઉ તેમણે જે શાળાઓમાં તપાસ કરી તે જ શાળાઓમાં આજે ફરીથી તપાસ કરી કામ પૂર્ણ કર્યું પણ શહેરની અન્ય શાળાઓમાં કયા પ્રકારની સ્થિતિ છે તેની તપાસ હજી સુધી હાથ ધરવામાં આવી નથી.  ઉલ્લેખનીય છે કે આજે જે શાળાઓની તપાસ DEO દ્વારા કરવામાં આવી છે તેની ફરિયાદ NSUI દ્વારા કરવામાં આવી હતી. જો કે DEO એ આજે જાતે અન્ય શાળાઓની વિઝીટ કેમ ના કરી એ મુખ્ય સવાલ છે.

ઉદ્દગમ સ્કૂલમાં સરકારી નિયમોના લીલેલીરા ઉડ્યા

અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્દગમ સ્કૂલમાં સ્કૂલ વાહનોમાં બાળકોને લિમિટ કરતાં વધુ સંખ્યામાં ભરવામાં આવ્યા હતા તેમજ સ્કૂલ વાહનોમાં ફાયર સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો હતો. હવે પ્રશ્ન ઉભો થાય છે કે શિક્ષણ અધિકારી મીડિયામાં વાહવાહી મેળવવા માટે સરકારી સ્કૂલમાં ચેકિંગ હાથ ધરે છે તો તે પ્રાઇવેટ સ્કૂલમાં કેમ ચેકિંગ કરતા નહીં હોય? જો આવી ખાનગી સ્કૂલોમાં તક્ષશિલા કે રાજકોટ જેવી મોટી ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે? તેવા સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

શિક્ષણ અધિકારી કોના પર મહેરબાન?

શાળા શરૂ થઇ તેના એક દિવસ પહેલા DEO દ્વારા બાળકોની સલામતી માટે અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ અધિકારી, ફાયર ઓફિસરની ટીમ, AMCના અધિકારી અને શિક્ષણ અધિકારી સાથે સ્કૂલો શરૂ થયાના એક દિવસ પહેલા સેમિનારનું આયોજન કરે છે જેની અંદર શાળામાં ફાયર સેફ્ટી, રોડ ટ્રાફિક, અકસ્માત જેવા અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવે છે પરંતુ શાળા શરૂ થયાના પ્રથમ દિવસે જ આ તમામ વસ્તુઓનો અભાવ જોવા મળે છે. સરકારી શાળાઓમાં ચેકિંગ કરી મીડિયામાં વાહવાહી મેળવવામાં આવે છે ત્યારે ખાનગી શાળા ઉપર શિક્ષણ અધિકારીના ચાર હાથ હોય તેવું દ્રશ્ય સ્પષ્ટ થઇ રહ્યું છે.

આ સમાચાર શેર કરો