'22 મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યું, આપણી સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો'-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ નિકોલમાં 5477 કરોડથી પણ વધુન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ નિકોલમાં 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભાને સંબોધી હતી. PM મોદીએ નિકોલમાં જનસભાને સંબોધતા ઓપરેશન સિંદૂરથી લઇને સ્પેસ સ્ટેશન સુધીની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી સેનાએ પાકિસ્તાનની અંદર ઘુસીને માત્ર 22 મિનિટમાં જ બધુ સફાચટ કરી ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ હુમલાનો બદલો લઇ લીધો હતો.
અનેક વિકાસના પ્રોજેક્ટના શ્રીગણેશ થયા- PM મોદી
દેશભરમાં ગણેસોત્સવનો અદભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.
પ્રકૃતિનો પ્રકોપ માનવજાત માટે પડકાર બન્યો-PM મોદી
ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. દેશમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ ઘટી રહી છે અને જ્યારે ટીવી પર વિનાશ લીલા જોઇએ છીએ ત્યારે પોતાને સંભાળવા મુશ્કેલ બની જાય છે. હું તમામ પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું. પ્રકૃતિનો આ પ્રકોપ માનવજાત માટે, વિશ્વ માટે દેશ માટે પડકાર બન્યો છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકાર સાથે મળીને રાહત અને બચાવના કામમાં જોડાયેલી છે.
બે મોહનની ધરતી છે ગુજરાત
ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશની,સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં દુનિયા અનુભવ કરી રહી છે.
વારે તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી- PM મોદી
જ્યારે હુલ્લડબાજો પતંગ ચગાવવા જેવી લાઇનમાં ઢાળી દે, કરફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઇ જતી, આ અમારૂ લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી નહતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. 22 મિનિટમાં આ બધુ સફાચટ કરી નાખ્યું. સેકડો કિલોમીટર અંદર જઇને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે. ચરખાધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યું હતું.
અમદાવાદમાં અવાર નવાર કરર્ફ્યુ લાગેલો રહેતો, આજે દેશનું સૌથી સુરક્ષિત શહેર
આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી ઊર્જા મળી રહી છે અને તેની પાછળ બે દાયકાની મહેનત છે. આજના નવ યુવાન પેઢીએ તે દિવસ જોયો નથી જ્યારે અહીં અવાર નવાર કરર્ફ્યુ લાગેલો હતો, વેપાર કરવો મુશ્કેલ હતો. આજે દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ આપણે ચારે તરફ જોઇ રહ્યા છીએ. આખુ ગુજરાત આ જોઇને ગર્વ કરે છે કે કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.
ગુજરાત સેમિ કંડક્ટરનું હબ બનશે- PM મોદી
હું કાલે હંસલપુર જઇ રહ્યો છું ત્યા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટને લઇને શરૂઆત થઇ રહી છે. આજે જેટલા પણ આધુનિક ઉપકરણ બની રહ્યા છે તે સેમિ કંડક્ટર વગર નથી બની શકતા. ગુજરાત હવે સેમિ કંડક્ટરમાં પણ મોટું નામ કરવા જઇ રહ્યું છે. ટેક્સટાઇલ, જ્વેલરી હોય ગુજરાતની ઓળખ બની ગઇ છે. દવા,વેક્સિન અને ફાર્મા ઉત્પાદનમાં પણ દેશનું એક તૃતિયાંશ એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય છે. આજે ભારત સૌર,પવન અને પરમાણું ઊર્જા મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે.
ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રો કેમિકલ્સનું મોટું કેન્દ્ર બનશે-PM મોદી
ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રો કેમિકલ્સનું પણ એક મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુજરાત દેશની પેટ્રોકેમિકલ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગ, સિન્થેટિક, દવા, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મેટિક્સનું સૌથી મોટો આધાર પેટ્રો કેમિકલ્સ સેક્ટર છે. ગુજરાતમાં જૂના ઉદ્યોગોનો વિસ્તાર થઇ રહ્યો છે.
મને યાદ છે આપણે ઘણી વાર માથે હાથ મુકીને રડતા રહેતા. આજથી 30 વર્ષ પહેલાના જે લોકો દિવસો યાદ કરે છે તે કહેતા મિલો બંધ થઇ ગઇ...મિલો બંધ થઇ ગઇ...કોઇ નેતા આવે એટલે એમ જ પૂછે મિલો બંધ થઇ ગઇ શું કરશો? આજે ગુજરાતમાં મિલોના ભૂંગળા ભલે બંધ થયા વિકાસના વાવટા ફરકાવી દીધા છે.નવા ઉદ્યોગોનો પાયો નાંખવામાં આવી રહ્યો છે અને આ તમામ પ્રયાસ આત્મનિર્ભર ભારતને મજબૂત કરી રહ્યાં છે. ગુજરાતના યુવાઓ માટે રોજગારની તકો ઉભી થઇ છે.
ગુજરાતમાં રોડ-રેલની કનેક્ટિવીટીથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે
ઉદ્યોગ, ખેતી કે પછી ટુરિઝમ હોય તેમના માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે. છેલ્લા 20-25 વર્ષમાં ગુજરાતની કનેક્ટિવિટીની કાયાપલટ થઇ ગઇ છે. આજે પણ અહીં રોડ અને રેલ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યો. સરદાર પટેલ રિંગ રોડ વધુ પહોળો થઇ રહ્યો છે. છ લેનનો પહોળો રસ્તો બની રહ્યો છે અને શહેરમાં ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
શાંતિની પ્રેરણાભૂમિ બનશે સાબરમતી આશ્રમ- PM મોદી
વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમને લઇને કહ્યુ કે, હું તે સમયે સાબરમતી આશ્રમનું કામ કરવા માંગતો હતો પણ કેન્દ્ર સરકાર તે સમયે અમારા અનુકૂળ નહતું. તે ગાંધીજીના અનુકૂળ પણ નહતી અને તેને કારણે હું તે કામને ક્યારેય આગળ વધારી ના શક્યો. જ્યારથી તમે મને દિલ્હી મોકલ્યો છે જેમ સ્ટેચ્યુ ઓફ યૂનિટી સરદાર પટેલનું ભવ્ય સ્મારક દેશ અને દુનિયા માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે,સાબરમતી આશ્રમનું નવીનીકરણનું કામ પૂર્ણ થશે ત્યારે દુનિયા માટે શાંતિની પ્રેરણાભૂમિ સાબરમતી આશ્રમ બનશે.
અમદાવાદ ગર્દાબાદ તરીકે ઓળખાતું આજે દેશમાં સ્વચ્છતામાં નંબર-PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાથી આપણે વીજબિલ ઝીરો કરી રહ્યાં છીએ. ગુજરાતમાં છ લાખ પરિવાર જોડાઇ ચુક્યા છે. ગુજરાતમાં 3 હજાર કરોડ કરતા વધુ આપવામાં આવ્યા છે. તેમને દર મહિને વીજળી બિલમાં બચત થઇ રહી છે. અમદાવાદ શહેર આ સપના અને સંકલ્પોનું શહેર બની રહ્યું છે અને એક સમય હતો જ્યારે લોકો અમદાવાદને ગર્દાબાદ કહીને મજાક ઉડાવતા હતા. ચારે તરફ ઉડતી ધૂળ-માટી, કચરાના ઢેર આ શહેરનું દુર્ભાગ્ય બની ગયું હતું. મને ખુશી છે કે આજે સ્વચ્છતા મામલે અમદાવાદ દેશમાં નામ કમાઇ રહ્યું છે. આ દરેક અમદાવાદીના સહયોગથી સંભવ થઇ શક્યું છે. આ સ્વચ્છતાનું અભિયાન એક દિવસનું નથી આ પેઢી દર પેઢી રોજે રોજ કરવાનું કામ છે.
ગુજરાત ટુરિઝમ માટે મહત્ત્વનું ડેસ્ટિનેશન બન્યું
વડાપ્રધાન મોદીએ ટુરિઝમને લઇને કહ્યું કે, કચ્છના રણમાં સફેદ રણ જોવા માટે દુનિયાને ઘેલુ લાગે, સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવાનું મન થાય, બેટ દ્વારકાનો બ્રિજ જોવા લોકો આવે, એક વાર નિર્ણય કરીએ તો પરિણામ આવીને જ રહે છે.
અમદાવાદ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તૈયાર
આજે અમદાવાદ કોન્સર્ટ ઇકોનોમીનું કેન્દ્ર બની રહ્યું છે. કેટલાક સમય પહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટ થયું તેની ચર્ચા આખા વિશ્વમાં થઇ, એક લાખની કેપિસીટી સાથે અમદાવાદનું સ્ટેડિયમ સૌના આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદ મોટા મોટા કોન્સર્ટ કરી શકે છે અને સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે પણ તૈયાર છે.
લોકો મજાક ઉડાવતા આજે દુનિયા ગુજરાતનો વિકાસ જોઇ રહી છે- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રિવરફ્રન્ટની વાત મુકેસલી એટલે લોકો મજાક ઉડાવતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે બધા કહેતા કે ચૂંટણી આવી એટલે મોદી સાહેબ આ બધુ લાવ્યા છે, સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોઇ દુનિયા આજે અચરજ પામે છે. લોકો પહેલા કહેતા કે કચ્છમાં કોણ જશે, આજે કચ્છના રણને જોવા માટે લાઇન લાગે છે.ગિફ્ટ સિટીની કલ્પના મુકી ત્યારે બધાએ મજાક ઉડાવી હતી કે અહીં આટલી બધી બિલ્ડિંગ કેવી રીતે આવે, આજે ગિફ્ટ સિટી દેશની સૌથી મોટી ગૌરવ ગાથા લખી રહ્યું છે.
ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે- PM મોદી
વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે,આટલા બધા આતંકવાદી હુમલા થયા, દુશ્મનોનું કંઇ નહીં થાય તેમ લોકો માનતા હતા પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી લોન્ચિંગ પેડ ઉડાડી દીધા, એર સ્ટ્રાઇક કરી આતંકીઓના ટ્રેનિંગ સેન્ટર ઉડાવી દીધા, ઓપરેશન સિંદૂર કરી તેમની નાભી પર વાર કર્યો.
વધુમાં PM મોદીએ કહ્યું કે, ચંદ્રયાન શિવશક્તિ પોઇન્ટ જ્યાં કોઇ ગયું નહતું ત્યા ભારતનો તિરંગો ઝંડો પહોંચી ગયો, ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર શુભાંશુ શુકલા જઇને આવ્યા અને હવે ગગનયાનની તૈયારી ચાલી રહી છે. આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બને તે દિશામાં કામ ચાલી રહ્યું છે.
ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી યોજ્યો રોડ શૉ
વડાપ્રધાન મોદીએ આ પહેલા અમદાવાદ એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજ્યો હતો. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યકમો યોજાયા હતા. પીએમ મોદીએ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.








