બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના, ગુજરાતને પણ થશે અસર
ભારતીય હવામાન વિભાગે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી છ

ભારતીય હવામાન વિભાગે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાી સંભાવના પણ વ્યક્ત થઇ રહી છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ 24 મે આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેસનમાં (વાવાઝોડાનું નાનુ રૂપ) ફેરવાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ પૂર્વે આમ પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તારીખ 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી. જોકે હજુ સુધી આ માટે કોઇ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી.
બીજી તરફ હવામાન વિભાગે 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની આગાહી પણ કરી છે.લો પ્રેસરની સીસ્ટમ રચાયે ચોમાસાનું આગમન ધમાકેદાર વરસાદ સાથે થવાની સંભાવના પણ છે.
કમોસમી વરસાદને કારણે થયુ હતું નુકસાન
દરમિયાન છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ભારે વાજડીના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો ઝુંટવાઇ ગયો છે. આ કમોસમી વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો તલમાં પણ ભયંકર નુકસાની થઇ ગઇ હતી. સાથે સાથે બાગાયતી ખેતીના પાકોમાં પણ ભારે નુકસાની થઇ હતી. કેરીના બગીચા ધરાવતા ખેડૂતના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દોસ્ત થઇ ગઇ હતી.








