મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અસામાજિક તત્ત્વોનું તાંડવ! બાપુનગર પોલીસની બેદરકારીનું ઠીકરું રખિયાલ પોલીસના માથે ફૂટ્યું

અમદાવાદમાં જૂથ અથડામણ, મારમારી અને હથિયારો સાથે રોડ પર આતંક મચાવવાના બનાવો દિવ

અસામાજિક તત્ત્વોનું તાંડવ! બાપુનગર પોલીસની બેદરકારીનું ઠીકરું રખિયાલ પોલીસના માથે ફૂટ્યું

અમદાવાદમાં જૂથ અથડામણ, મારમારી અને હથિયારો સાથે રોડ પર આતંક મચાવવાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 6 ટપોરીઓએ રખિયાલમાં રહેતા હત્યાના ફરાર આરોપીના મોટાભાઈને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર મામલે રખિયાલ પોલીસે 6 આરોપીની સામે ગુનો નોંધીને એકની ધરપકડ કરી તથા અન્ય એક આરોપીની પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને સ્થાનિક પોલીસને સોંપ્યા છે.  

રખિયાલમાં સદામુદીન શેખ તેના પરિવાર સાથે રહે છે. બુધવારની રાત્રે સદામ અને તેનો પિતરાઈ ભાઈ ચાલીની બહાર આવેલી હોટલ પાસે ઉભા હતા. આ દરમિયાન 6 જેટલા શખ્સો હાથમાં તલવાર અને ચાકુ જેવા હથિયારો લઈને સદામુદિન પાસે આવ્યા અને તેનો નાનો ભાઈ સલામન ક્યાં છે કહીને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી સદામુદિને તેના ભાઈ અંગેની જાણકારી નહી હોવાનું જણાવ્યું અને અમારે તેની સાથે કોઈ સંબંધ નહી હોવાનું કહ્યું હતું. એટલામાં હથિયાર સાથે આવેલા ટપોરીઓમાંથી એક વ્યક્તિએ સદામુદિનના માથામાં તલવારનો ઘા મારવા જતા સદામુદિન ખસી ગયો હતો. બાદમાં સદામુદિન અને તેનો પિતરાઈ ભાઈ જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે આરોપીઓ હાથમાં તલાવર અને ચાકુ લઈને રોડ પર ફરવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસવાને તેમને રોકવાનો પ્રયાસ કરતા ટપોરીઓએ પોલીસને તલવાર બતાવીને પાછા ધકેલી દીધા હતા. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધીને મુખ્ય આરોપી સર્વર ઉફે ક્ડવાની ધરપકડ કરી છે. જ્યારે પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરીને ફઝલ નામના આરોપીની ધરપકડ કરીને ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

કાંડ બાપુનગરમાં અને પરિણામ રખિયાલ પોલીસે ભોગવ્યું

બાપુનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસની ઉદાસીનતાના લીધે બાપુનગરમાં રહેતા ટપોરીઓએ રખિયાલ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે મર્ડરના ગુનામાં ફરાર આરોપીના મોટા ભાઈને જાનથી મારી નાંખવા માટે હાથમા તલાવાર અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારો લઈને આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પોલીસવાન આવી જતા તમામ આરોપીઓએ પોલીસને તલવાર બતાવીને પાછી મોકલી દીધી હોવાના વીડિયો પણ સામે આવી ચુક્યા છે. 

પોલીસ કમિશ્નરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ

સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ‘જવાબદાર વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવામાં આવશે તથા આ મામલાની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપવામાં આવી છે, તથા જવાબદાર પોલીસકર્મી વિરુદ્ધની ઇન્ક્વાયરી કરવા સુધીના આદેશ આપ્યા છે.’

ડીસીપી ક્રાઈમ  અજીત રાજયને જણાવ્યું હતું કે, ‘હાલ આ મામલે અમારી પ્રાથમિકતા આરોપીઓને ઝડપી લેવાની છે. અને આરોપીના ગુનાઈત ઈતિહાસને જોતા ગુજસીટોક સુધીની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવાની તૈયારી છે. સાથે જ બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઈ અને રખિયાલ પોલીસ સ્ટેશનના પી.આઈ વિરુદ્ધ પણ ઇન્ક્વાયરી શરુ કરવામાં આવી છે. તપાસ અંતે જે કોઈપણ જવાબદાર ઠેરવાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.’

આ સમાચાર શેર કરો