સુરતમાં પોલીસના ડંડાથી પોલીસકર્મીને પડ્યો માર, શંકાસ્પદ આરોપીનો પીછો કરતાં થયો હુમલો
સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના ડંડાથી પોલીસને જ માર પડ્યો છે. ભાઠેના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછા કરવા ગ

સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના ડંડાથી પોલીસને જ માર પડ્યો છે. ભાઠેના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછા કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ત્રણથી ચાર જેટલા લોકોએ ઢોર માર્યો હતો. પોલીસના હાથમાં જે ડંડો હતો, તેનાથી જ પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓમાંથી એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ હતી.
અસામાજિક તત્વોનો હુમલો
શહેરમાં 17 કલાક થઈ ગયા પછી પણ અસામાજિક તત્વો દ્વારા ઢોર મારવામાં આવેલા પોલીસ કર્મીની ફરિયાદ પોતે જ પોલીસે અત્યાર સુધી દાખલ કરી નથી. પોલીસ પર હુમલાની આ બીજી ઘટના છે અને એ પણ અઠવા વિસ્તારમાં બની છે. થોડાક દિવસ પહેલા આ જ વિસ્તારમાં બુટલેગરે બેફામ થઈને કાર પોલીસકર્મી ઉપર ચડાવી દીધી હતી. તેના થોડાક દિવસ બાદ જ આજ વિસ્તારમાં સલાબતપુરા વિસ્તારના બે પોલીસ કર્મીઓ ઉપર ચારથી પાંચ જેટલા લોકોએ હુમલો કર્યો હતો.
ઝપાઝપી થઈ હતી
સલાબતપુરા પોલીસ મથકના ડી-સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈ બુલેટ પર રાત્રિ દરમિયાન ભાટે નજીક પંચશીલ સોસાયટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ત્યારે રિક્ષાની અંદર બેસેલા ચારથી પાંચ લોકો તેમને જોઈને ભયભીત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો. સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા હતા. પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે. ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી હતી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો હતો. પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી, તેજ લાકડીથી બંને પોલીસ કર્મીઓને આરોપીઓએ માર માર્યો હતો. ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી.








