NAVSARI : પોલીસે ભાડુઆત બની સગીરાને ભગાડી જનારને યુપીના મેરઠથી પકડ્યો
police nabbed the young man who abducted the minor from Meerut | Navsari News : બે મહિના અગાઉ ચીખલીની સગીરાને લગ્નની લાલચ આપી મેરઠ ભગાડી જનાર યુવાનને ચીખલી પ

Navsari News : બે મહિના અગાઉ ચીખલીની સગીરાને લગ્નની લાલચ આપી મેરઠ ભગાડી જનાર યુવાનને ચીખલી પોલીસે ભાડુઆત બની દબોચી લીધો હતો. ભોગ બનનાર યુવતી અને આરોપી યુવાનને નવસારી લાવી પોલીસે POCSO એક્ટ હેઠળ યુવાનની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.
સગીરા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી
યુપીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 23 વર્ષીય ગૌરવ ઉર્ફે સૂરજ નંદકિશોર કશ્યપ પિતાને મદદરૂપ થવા નવસારીના ચીખલી આવતો અને અહીં તેની આંખ સ્થાનિક સગીરા સાથે ચાર થઈ ગઈ હતી. ગૌરવે સગીરા સાથે પ્રથમ મિત્રતા કેળવી અને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બાદમાં તેની સાથે મેસેજ તેમજ ફોન ઉપર વાત કરતો હતો. બંને વચ્ચે વાતચીત વધી અને ગૌરવે સગીરાને લગ્નની લાલચ આપી હતી. ગૌરવ યુપીના મેરઠમાં રહેતો હતો અને સગીરા નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી હતી.
8 જૂનના દિવસે સગીરા ગુમ થઈ
ગૌરવના પ્રેમમાં સગીરા એટલી ગાંડી થઈ ચૂકી હતી કે તે ગત 8 જૂનના રોજ ચીખલીથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગઈ હતી. મનોજ સાથે સતત સંપર્કમાં રહી સગીરા દિલ્હી સુધી પહોંચી ગઈ હતી, જ્યાંથી ગૌરવ સગીરાને દિલ્હીથી મેરઠ લઈ ગયો હતો.
બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેની શોધખોળ થઈ હતી અને અંતે ચીખલી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સગીરાને લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો હોવાની શંકા તેની માતાએ વ્યક્ત કરતા પોલીસે ટેકનિકલ સર્વેલેન્સને આધારે બે મહિનામાં જ ગૌરવ કશ્યપનું પગેરું શોધી કાઢ્યું હતું.
પોલીસે વેશપલટો કરી યુવકને ઝડપી પાડ્યો
પોલીસની એક ટીમ મહિલા કોન્સ્ટેબલ સાથે મેરઠ પહોંચી હતી અને ગૌરવ તથા સગીરા જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં વેશ પલટો કરી, ભાડુઆત તરીકે રહેવા માટેની પૂછપરછ કરી સગીરા અને ગૌરવ ત્યાં જ હોવાની ખાતરી કરી હતી. બાદમાં પોલીસ બંનેને પકડી નવસારી લઈ આવી હતી.
પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે ચીખલી પોલીસ મથકમાં સગીરાની માતાની ફરિયાદને આધારે ગૌરવ કશ્યપ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેના માતા પિતાને સોંપી છે. આરોપી ગૌરવ કશ્યપને નવસારી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.








