3 દિવસ સુધી ઘરમાં જ 'કેદ': બહુચરાજીના ડૉક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો પડાવવાના ષડયંત્ર પર પોલીસે ફેરવ્યું પાણી
Mehsana : ડિજિટલ દુનિયામાં છેતરપિંડીના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે મહેસાણાની બહુ
Mehsana : ડિજિટલ દુનિયામાં છેતરપિંડીના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે મહેસાણાની બહુચરાજી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. બહુચરાજીમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત ડૉ. મનુભાઈ પટેલને સાયબર ઠગોએ છેલ્લા ત્રણ દિવસથી તેમના જ ઘરમાં 'ડિજિટલ એરેસ્ટ' કરી રાખ્યા હતા. જોકે, પોલીસે સમયસૂચકતા દાખવી ડૉક્ટરની આજીવન મૂડી સમાન ₹1.21 કરોડ બચાવી લીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
ડૉ. મનુભાઈ પટેલને સાયબર ગુનેગારોએ કોઈ ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જેના કારણે તેઓ છેલ્લા ત્રણ દિવસથી માનસિક દબાણમાં હતા. ઠગોએ ડૉક્ટર પાસેથી ₹1.21 કરોડની માતબર રકમ પડાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી. આ દરમિયાન ડૉક્ટરના પુત્ર અને પોલીસને સમગ્ર મામલાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે કેવી રીતે બચાવ્યા નાણાં?
ઘટનાની જાણ થતા જ બહુચરાજી પીઆઈ પી.એલ. વાઘેલા અને જે.જી. વાઘેલાએ મહેસાણા સાયબર ક્રાઇમની મદદ લીધી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ભોગ બનનારનો સંપર્ક કર્યો અને તેમના અન્ય બેંક ખાતાઓ તાત્કાલિક ધોરણે 'સ્ટોપ' કરાવી દીધા હતા. આ ત્વરિત પગલાને કારણે ડૉક્ટરની શેરબજારમાં રોકેલી મૂડી અને રોકડ રકમ સાયબર ઠગોના હાથમાં જતી બચી ગઈ હતી.
પોલીસની અપીલ:
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા 'ડિજિટલ એરેસ્ટ' કરતી નથી. જો કોઈ આવો ડર બતાવે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. બહુચરાજી પોલીસની આ કામગીરીને કારણે ડૉક્ટર અને તેમનો પરિવાર મોટી આર્થિક પાયમાલીમાંથી ઉગરી ગયો છે.








