Surat/ લૂંટનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં, લૂંટ કરનાર એક શખ્સ ઝડપાયો
સુરત શહેરમાં ગુનેગારો કેટલા બેખૌફ બન્યા છે તેનો જીવતો-જાગતો પુરાવ


સુરત શહેરમાં ગુનેગારો કેટલા બેખૌફ બન્યા છે તેનો જીવતો-જાગતો પુરાવો ઉધના BRC નજીક જોવા મળ્યો હતો. ૧૮ ફેબ્રુઆરીના રોજ નોકરી પરથી પરત ફરી રહેલા એક યુવકને નિશાન બનાવી બે લૂંટારુઓએ ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. જોકે, જાગૃત નાગરિકે ઉતારેલો વીડિયો ગુનેગારને જેલના સળિયા પાછળ પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયો છે.
જાહેર રોડ પર ચપ્પુ બતાવી લૂંટ
કડોદરા ખાતે પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા યુવકને ઉધના BRC પાસે બે લૂંટારુઓએ આંતર્યો હતો. લૂંટારુઓએ જાહેર રોડ પર યુવકને ચપ્પુ બતાવી મોતનો ડર બતાવ્યો અને તેની પાસે રહેલી રોકડ રકમ ઝૂંટવી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો એક નાગરિકે પોતાના મોબાઈલમાં Live વીડિયો કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પોલીસે એક આરોપીને દબોચ્યો
વાયરલ વીડિયોના આધારે સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી મુખ્ય આરોપી અવતારસિંગ ત્રીલોકસિંગ ભાદા (ઉં.વ. ૨૩) ને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે લૂંટાયેલી રકમમાંથી ₹૨૦,૦૦૦ રિકવર કર્યા છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
અન્ય એક આરોપી વોન્ટેડ
આ લૂંટમાં સામેલ અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. સુરત એસીપી વી.એમ. જાડેજાના જણાવ્યા અનુસાર, ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત પોલીસે લૂંટના આ લાઈવ વીડિયોના પુરાવાને આધારે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.








