કવિ તુષાર શુક્લાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એનાયત
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતના

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતના કુલ 9 મહાનુભાવોને પદ્મ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આજે ગુજરાતી ભાષાના વિખ્યાત કવિ તુષાર શુક્લાને શિક્ષણ અને સાહિત્યની કામગીરીને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કવિ તુષાર શુક્લાએ AIRમાંથી નિવૃત્તિ લીધા પછી સાહિત્ય અને તેમની માતૃભાષા ગુજરાતીની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. ગુજરાતી ભાષામાં લગભગ તેમણે 30 જેટલા પુસ્તકો પણ લખ્યા છે. ગુજરાતી કવિ તુષાર શુક્લાનો જન્મ 29મી જૂન 1955માં થયો હતો. તેમનું મૂળ વતન સુરેન્દ્રનગરનું વઢવાણ છે. તેમના પિતાજી દુર્ગેશ શુક્લા પણ સાહિત્યકાર હતા. તેમણે અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી એમ. એ. નો અભ્યાસ કર્યો છે. ઉપરાંત તેઓએ એલ. એલ. બીનો પણ અભ્યાસ કર્યો છે.
તેઓ સાહિત્ય અને સંગીત બંનેની સારી સમજણ ધરાવે છે. તેમણે 1979માં આકાશવાણી પર લોકપ્રિય કાર્યક્રમ ‘શાણાભાઇ - શકરાભાઇ‘ના સંચાલનથી કારકિર્દીની શરૂઆત કરી હતી બાદમાં AIR રાજકોટના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. તુષારભાઈની કવિતાઓના પણ મોટી સંખ્યામાં ચાહકો છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે… મારું ચોમાસું ક્યાંક આસપાસ છે… અને દરિયાના મોજા કંઈ રેતીને પૂછે… આ બે કવિતાઓ તુષારભાઈની સૌથી વધુ લોકપ્રિય થયેલી કવિતાઓ છે.
AIRમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે સાહિત્ય અને તેમની માતૃભાષા ગુજરાતીની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. તેમણે લગભગ 30 પુસ્તકો લખ્યા છે, જેમાંથી મોટાભાગના પુસ્તકોમાં તેમની કવિતાઓ અને કૌટુંબિક સમસ્યાઓના ઉકેલો ધરાવે છે. તુષાર શુક્લા અદ્દભુત કવિતાઓની સાથે જ ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ લખી ચૂક્યા છે. ફિલ્મ છેલ્લો દિવસનું ‘કહેવું ઘણું ઘણું છે…’ ફેમસ ગીત પણ કવિ તુષાર શુક્લા દ્વારા લખાયું છે. આ ઉપરાંત તેમણે બે યાર, વિટામિન શી અને શુભ આરંભ જેવી ફિલ્મોમાં નાનકડા રોલની એક્ટિંગ પણ કરી છે.






