ગુજરાતના 6000 કરોડના BZ કૌભાંડ પર PMOની નજર,અનેક અધિકારી-રાજકારણીઓએ રોકાણ કર્યાનો દાવો
BZ ગ્રુપમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગુજરાતના અનેક લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા છે. CID ક્રાઇમ અનુસાર 6000 કરોડના

BZ ગ્રુપમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગુજરાતના અનેક લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા છે. CID ક્રાઇમ અનુસાર 6000 કરોડના કૌભાંડમાં સામાન્ય લોકોની સાથે સાથે શિક્ષક, પોલીસ કર્મી, અધિકારીઓ અને રાજકારણીઓએ પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ભાજપના અનેક નેતાઓ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકારણમાં પગ જમાવવા માટે ઘરોબો જાળવ્યો હતો.
BZ ગ્રુપમાં અનેક અધિકારી-રાજકારણીઓએ કર્યું રોકાણ
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવાર નવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરી રહી છે. BZ કૌભાંડની તપાસ પર PMOની પણ નજર છે.
માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.
ગુજરાતમાં એકાએક રાજ્ય સરકારે IPS અધિકારીઓની બદલી કરી નાખી હતી.BZ ગ્રુપના કરોડોના કૌભાંડની તપાસ CID ક્રાઇમના વડા રાજકુમાર પાંડીયનના વડપણ હેઠળ ચાલી રહી છે ત્યારે તેમની પણ બદલી કરી નાખવામાં આવી છે. રાજ્ય સરકારની છબી BZ કૌભાંડમાં વધારે ના ખરડાય તે માટે તેમની બદલી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી સ્થિત કાર્યાલયમાં બેઠેલા અધિકારીઓ ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી વાકેફ હોય તે સ્વાભાવિક છે.CID ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયનની ADGP લો એન્ડ ઓર્ડરમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો: BZ કૌભાંડ: સરકારી નોકરી છતાં વસાવી વૈભવી કાર,એજન્ટ શિક્ષકો શાળાઓમાં ગેરહાજર
BZ ગ્રુપના કૌભાંડને દબાવવા રાજકીય પ્રેશર કરાયું હોવાની ચર્ચા
6 હજાર કરોડના BZ ગ્રુપના કૌભાંડમાં રાજકીય નેતાઓ સહિત અનેક લોકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના અન્ય ટ્રસ્ટોમાં મંત્રીના પુત્ર અને ભાજપાના યુવા પ્રમુખના નામ બહાર આવ્યા છે અને સમાજના કેટલાક સંગઠનો દ્વારા પણ રાજકીય દ્વેષથી પ્રેરાઇ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ કૌભાંડની તપાસના ધમધમાટ વચ્ચે ગૃહવિભાગે CID ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડીયનની બદલી કાયદો-વ્યવસ્થા વિભાગમાં કરી નાખતાં આ કૌભાંડને દબાવવા રાજકીય પ્રેશર કરાઇ રહ્યું હોવાની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.








