VIDEO: મહિસાગરમાં PMJAY કૌભાંડ, ગરીબો પાસેથી સરપંચના પતિએ રૂપિયા પડાવ્યાનો આરોપ
ગરીબ અને વંચિત પરિવારોને પોતાના ઘર મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવ

ગરીબ અને વંચિત પરિવારોને પોતાના ઘર મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. તેવામાં ગરીબ પરિવારો પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે સરપંચના પતિ દ્વારા કટકી કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
આવાસ યોજનામાં સરપંચનો પતિ ટકાવારી લેતો
મહીસાગર જિલ્લામાં કડાણાના અમથાણી ગામમાં રહેતા કાચા અને માટીવાળા મકાન ધરાવનાર ગરીબ પરિવારને સરકાર દ્વારા આવાસો આપી પાકું મકાન બનાવી આપવાની યોજનાના નામે સરપંચનો પતિ પૈસા પડાવતો વિડીયો વાયરલ થયો છે. જે વીડિયોમાં ગામના સરપંચ મંજુલાબેનના પતિ ડામોર દેવાભાઈ અનારભાઈ આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી ઉઘરાણી કરતાં કેદ થયા છે. સરકારની ગરીબો માટેની આ સુંદર નીતિમાં સરેઆમ ગેરરીતિ થતી સામે આવી છે.
ટકાવારીના નામે 23,000ની ઉઘરાણી
પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઐસી તૈસી કરતાં આ વિડીયોમાં સરપંચના પતિને ટકાવારી આપવી પડશે તેમ કહીને ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેમાં આવાસના પહેલા હફ્તાની ટકાવારી 5000/- બીજા હફ્તા 10,000/- ત્રીજા હફ્તા ની 3000/- અને મસ્ટર મંજૂરીની ટકાવારી 5000/- એમ કૂલ મળીને 23000/- ની ઉઘરાણી થતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ગ્રામજનો દ્વારા આ વિડીયો DDOને મોકલી સરપંચના પતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








