ઉદવાડામાં ટ્યુશનથી આવતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરી હત્યા કરાયાનો PM રિપોર્ટમાં ખુલાસો, આંબાવાડીમાંથી મળ્યો હતો મૃતદેહ
વલસાડના ઉદવાડામાં હીચકારી રેપ વીથ મર્ડરની ઘટના બની હતી. કોલેજિયન યુવતી ટ્યુશનથી ઘર તરફ આવી રહી હતી. ત

વલસાડના ઉદવાડામાં હીચકારી રેપ વીથ મર્ડરની ઘટના બની હતી. કોલેજિયન યુવતી ટ્યુશનથી ઘર તરફ આવી રહી હતી. ત્યારે તેણી સાથે ઉદવાડાના મોતીવાડા રેલવે ફાટક પાસેની એક આંબાવાડીમાં અજાણ્યા શખ્સે તેની દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. કોલેજિયન યુવતીનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક PM કરાતાં તેના પ્રાથમિક રિપોર્ટમાં રેપ વિથ મર્ડરનો ઘટસ્ફોટ થયો હતો.
આ પણ વાંચોઃઉદવાડામાં ટ્યુશનથી ઘરે જતી કોલેજિયન યુવતીનો મૃતદેહ મળ્યો, અઘટિત થયાની આશંકા તપાસ તેજ
ફોરેન્સિક પીએમ કરાયું
એસપી કરણરાજસિંહ વાઘેલાએ કહ્યું કે સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક પીએમમાં દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. હત્યાના કારણના આધારે તાત્કાલિક FIR નોંધવામાં આવી છે. રેપ વિથ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ 14મી નવેમ્બરના 3 વાગ્યા આસપાસ બન્યો હતો. હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને અલગ અલગ 10 ટીમ બનાવી હતી. આ ટીમો દ્વારા ઉદવાડાથી મોતીવાડાના તમામ વિસ્તારમાં ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ, તમામ ફ્રન્ટ પર વર્કઆઉટ કરાઈ રહ્યું છે અને આરોપીને પકડી પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. દીકરીની હત્યાનું પ્રાથમિક કારણ ગળું દબાવીને કરાઈ હોવાનું સામે આવ્યું છે.
CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ
યુવતીની શોધખોળ કરતાં પરિવારના સભ્યોને યુવતીની લાશ આંબાવાડીમાંથી મળી હતી. ઘટનાની જાણ પારડી પોલીસને થતાં ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પેનલ PM કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા LCB, SOG સહિત 10 અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર આગળ ચલાવ્યો છે. ઘટના સ્થળેથી વલસાડ જિલ્લા પોલીસની ટીમને યુવતીના મોબાઈલનો સીમકાર્ડ મળી આવ્યો છે. ઘટના સ્થળની આજુબાજુમાં આવેલી CCTV કેમેરા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને યુવતીની હત્યા અને દુષ્કર્મની ઘટનાની ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.
શું હતી ઘટના?
પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ટ્યૂશનથી પરત ફરતી વખતે બીકોમની બીજા વર્ષની વિદ્યાર્થિનીની લાશ મળી હતી. વિદ્યાર્થિની ઉદવાડા ટ્યૂશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી. જેથી પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ બાદ વિદ્યાર્થિનીની લાશ મળી હતી. આંબાવાડીમાં કોલેજિયનના ચપ્પલ જોવા મળ્યા હતા, જેથી પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બેભાન મળ્યા બાદ તપાસ કરતાં તેણી સાથે અઘટિત થયાનું માલૂમ પડ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરી હતી.
ફોન પર બોલાચાલી સંભળાયેલી
ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતાં ઘરે ફરતી હતી.ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવા અવાજો આવ્યા હતા અને ફોન બંધ થઈ ગયો હતો. જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય યુવકને જાણ કરી હતી અને આ બાબતની જાણ યુવતીની બહેનને કરવામાં આવતા ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવતીની બહેનને મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવવારું સ્થળે યુવતી બેશુદ્ધ હાલતમાં મળી હતી.જેથી તેને તાત્કાલિક બાઇક પર જ પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી.








