PM નરેન્દ્ર મોદીએ પૂર્વ CM વિજય રૂપાણીના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના, જાણો શું કહ્યું
12 જૂનના રોજ, ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ

12 જૂનના રોજ, ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું હતું. અકસ્માત સમયે, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ફક્ત એક જ વ્યક્તિ, રમેશ વિશ્વાસ કુમાર, બચી ગયો હતો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી તેમની પત્નીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનું પણ નિધન થયું હતું.
વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરમાં નિવાસસ્થાને રવાના થયા હતા.
PM નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવ્યા
PM નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને મળ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ સિવિલમાં પ્લેન ક્રેશમાં બચેલા યુવાન સાથે વાત કરી હતી.
ગાંધીનગર પહોંચ્યા
અમદાવાદ થી PM મોદી "વિજયભાઈ રૂપાણીજીના પરિવારને મળવા પહોંચ્યા હતા. વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.






