મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું અને સાણંદમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31મી માર્ચ)ના રોજ ગુજરાતની એક દ

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું અને સાણંદમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
આ સમાચાર સાંભળો

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31મી માર્ચ)ના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતા કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ધાટન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ ગાંધીનગરના  કોબા ખાતે જવા રવાના થયા હતા.ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું નિર્માણ થયું છે. જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ. 

મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર કરાયું

આ મ્યુઝિયમ એટલે ભારતની ઐતિહાસિક વિરાસત અને ભવ્ય સંસ્કૃતિનો અદભુત સમન્વય. જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વરજીની પ્રેરણાથી આ મ્યુઝિયમ તૈયાર થયું છે. જેમાં હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રોનો દુર્લભ સંગ્રહ જોવા મળશે. જૈન મુનિએ 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે ફરીને લગભગ 2 લાખ કિ.મી.ની પદયાત્રા કરી. આ પદયાત્રા દરમિયાન તેમણે દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું. જેને આ સંગ્રહાલયમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલય ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના વિચારોને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. લગભગ 95 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર થયું છે.

મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરાઈ

  • પ્રથમ ગેલેરીમાં ભગવાન ઋષભદેવથી લઈ નેમિનાથ સુધીના તીર્થંકરોના ચરિત્રનું આલેખન છે. સાથે અહીં 5 થી 15મી સદી સુધીની પ્રાચીન મૂર્તિઓ મૂકવામાં આવી છે.
  • બીજી ગેલેરીમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ તેમજ ધરણેન્દ્ર-પદ્માવતી દેવીની પ્રતિમાઓ મૂકાઈ છે.
  • મ્યુઝિયમની ત્રીજી ગેલેરી ભગવાન મહાવીર સ્વામીને સમર્પિત કરાઈ છે. જ્યાં 12મી સદીનો જૈન વારસો જીવંત થશે.
  • ચોથી ગેલેરીમાં 13મી થી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવાયો છે.
  • પાંચમી ગેલેરીમાં 18 થી લઈ 20મી સદીની કલા-સમૃદ્ધિનો ભવ્ય વારસો જોવા મળશે.
  • તો છઠ્ઠી ગેલેરીમાં ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક અને સાહિત્યિક ક્ષમતાના દર્શન થશે.
  • સાતમી ગેલેરીમાં શેત્રુંજય, ગિરનાર અને રાણકપુર જેવા તીર્થધામોની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોન'ના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં રૂપિયા 3300 કરોડના ખર્ચે નિર્મિત કેન્સ સેમિકોન'ના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયેલ આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ આપશે, જ્યાં દરરોજ અંદાજે 60 લાખ ચિપનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાણંદ વૈશ્વિક નકશા પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી આવશે, જે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ સમાચાર શેર કરો