ગુજરાતની મુલાકાતે PM મોદી: એકતા નગરના પ્રવાસીઓને PMની ભેટ, 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. દરમિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. દરમિયાન તેમણે એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી હતી. આજે વડાપ્રધાનના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે.
આવતીકાલનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી બાય રોડ પહોંચ્યા છે.
31 ઓક્ટોબરના કાર્યક્રમની રૂપરેખા
વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા દિવસ પરેડ થશે. પરેડમાં વિવિધ રાજ્ય પોલીસ દળો સાથે BSF, CRPF, CISF, ITBP અને SSBની કન્ટીજન્ટ સામેલ રહેશે. જેમાં આ વર્ષે મુખ્ય આકર્ષણોમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનનો સમાવેશ કરતી BSF માર્ચિંગ કન્ટીજન્ટ, ગુજરાત પોલીસના ઘોડાની કન્ટીજન્ટ, આસામ પોલીસનો મોટરસાયકલ ડેરડેવિલ શૉ અને BSFનો કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડનો સમાવેશ થાય છે.
BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું સન્માન કરાશે
પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી માટે પણ સન્માનિત કરવામાં આવશે.
'વિવિધતામાં એકતા' થીમ પર ટેબ્લો રજૂ થશે
આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરાશે, જે 'વિવિધતામાં એકતા' થીમ દર્શાવે છે. 900 કલાકારો દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે.
આરંભ 7.0નું સમાપન
વડાપ્રધાન આરંભ 7.0ના સમાપન પર 100મા ફાઉન્ડેશન કોર્ષના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આરંભની 7મી આવૃત્તિ "શાસનની પુનઃકલ્પના" થીમ પર યોજાઈ રહી છે. 100મા ફાઉન્ડેશન કોર્ષમાં ભારતની 16 સિવિલ સેવાઓ અને ભૂટાનની 3 સિવિલ સેવાઓના 660 ઓફિસર તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.








