Rajkotમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, અનેક એમઓયુ થવાની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતનાં પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતનાં પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન સોમનાથમાં શૌર્યયાત્રા, મંદિરમાં પૂજા અને સભા સંબોધન બાદ સોમનાથથી સીધા રાજકોટ પહોંચ્યા હતા અને રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. જ્યાં અનેક એમઓયુ થવાની શક્યતા છે.
સોમનાથ મહાદેવ મંદિર આજે પણ અડીખમ ઊભું છે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું હતું, કે 1 હજાર વર્ષ અગાઉ આ સ્થળ પર કેવો માહોલ રહ્યો હશે. આપણાં પૂર્વજોએ આસ્થા, વિશ્વાસ અને મહાદેવજી માટે બલિદાન આપ્યા. હજાર વર્ષ બાદ આજે પણ સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા ભારતની શક્તિ અને સામર્થ્યનું આહ્વાન કરી રહી છે. ગઝની અને ઔરંગઝેબ જેવા આક્રમણકારી વિચારી રહ્યા હતા કે તેમની તલવાર જીતી ગઈ. કટ્ટરપંથીઓ સમજી ન શક્યા કે જે સોમનાથને તે નષ્ટ કરવા માંગતા હતા, તેના નામમાં જ સોમ એટલ કે અમૃત જોડાયેલું છે. ગઝનીથી લઈને ઔરંગઝેબ સહિત સોમનાથ પર હુમલો કરનારા આક્રમણકારીઓ ઈતિહાસના પાનાંમાં દટાઈ ગયા, પણ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્રના તટ પર આજે પણ અડીખમ ઊભું છે.
પીએમ મોદીએ કહ્યું હતું, કે સોમનાથ પર આક્રમણના 1 હજાર વર્ષ પૂર્ણ થયા. મંદિરના પુનઃનિર્માણના પણ 75 વર્ષ પૂર્ણ થયા. સોમનાથ નષ્ટ કરવા માટે એક નહીં, અનેક વખત પ્રયાસ થયા. વિદેશી આક્રમણકારીઓએ સદીઓ સુધી ભારતને નષ્ટ કરવા પ્રયાસ કર્યા. પણ ના સોમનાથ નષ્ટ થયું, ના ભારત.
PM મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત
સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તહેનાત કરાયા છે.'
શું છે સોમનાથ સ્વાભિમાન પર્વ
નોંધનીય છે કે ઈસ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે.








