મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana/ પીલુદરામાં તસ્કરોનો આતંક: માતાજીના મંદિરમાંથી 6.50 લાખના ચાંદીના ઘરેણાંની ચોરી

મહેસાણા જિલ્લામાં તસ્કરો હવે પવિત્ર ધર્મસ્થાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્ય

Mehsana/  પીલુદરામાં તસ્કરોનો આતંક: માતાજીના મંદિરમાંથી 6.50 લાખના ચાંદીના ઘરેણાંની ચોરી

મહેસાણા જિલ્લામાં તસ્કરો હવે પવિત્ર ધર્મસ્થાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પીલુદરા ગામના દેવીપૂજક વાસ વિસ્તારમાં આવેલા મંદિરોમાં ગત રાત્રિએ તસ્કરોએ ત્રાટકી અંદાજે 6.50 લાખ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.

એક જ પરિસરમાં ત્રણ મંદિરોને બનાવ્યા નિશાન

પીલુદરા ગામમાં એક જ પરિસરમાં બિરાજમાન જોગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરો આવેલા છે. રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિરના લોખંડના દરવાજાના નકુચા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો મંદિરમાંથી કુલ 6 કિલો 500 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

સવારે પૂજારી મંદિરે પહોંચતા ભાંડો ફૂટ્યો

મંદિરના પૂજારી મુકેશભાઈ માધાભાઈ દેવીપુજક હંમેશ મુજબ ગત રાત્રે આરતી બાદ મંદિરને લોક કરીને ઘરે ગયા હતા. આજે શનિવારે વહેલી સવારે 5 વાગ્યે જ્યારે તેઓ પૂજા અર્ચના માટે મંદિરે પહોંચ્યા, ત્યારે દરવાજા તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. અંદર તપાસ કરતા માતાજીના છત્તર અને અન્ય આભૂષણો ગાયબ જણાતા તેમણે ગ્રામજનોને જાણ કરી હતી.

ચોરી થયેલા ઘરેણાંની વિગત:

ચાંદીના 3 મોટા છત્તર: વજન 1 કિલો

ચાંદીના 2 ઘોડા: વજન 500 ગ્રામ

ચાંદીના 3 મોટા નાગ: વજન 3 કિલો

ચાંદીના 12 નાના નાગ: વજન 2 કિલો

કુલ કિંમત: આશરે ₹6,50,000/-

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે મહેસાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો