Surendranagar news: ખનીજ માફિયાઓના બંગલા પર ત્રાટકી PGVCLની ટીમ, ગેરકાયદેસર કનેક્શન લઈ કરાતી હતી વીજ ચોરી
વીજચોરી અટકાવવા માટે હવે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી છે

વીજચોરી અટકાવવા માટે હવે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં વધુ એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખનીજ માફિયાઓના બંગલાઓ ઉપર વીજ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. થાનગઢના જામવાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા ખનીજ માફિયાઓના ઘરો અને બંગલાઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર કનેક્શન લઇ વીજ ચોરી કરવામાં આવતી હોવાનો ધડાકો થયો છે.
આલિશાન બંગલામાં કોઈપણ પ્રકારના મીટર વગર જ વીજ જોડાણો આપી દેવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે. આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ ડીવાયએસપી સહિતના સ્ટાફને સાથે રાખી અને પીજીવીસીએલ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા દંડ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અગાઉ પણ પકડાઈ હતી વીજ ચોરી
10 દિવસ અગાઉ પણ 19 જેટલા બુટલેગરોને ત્યાં પીજીવીસીએલ વિભાગને સાથે રાખી અને 40 જેટલી પોલીસ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના નાની મોલડી જાની વડલા કાંધાસર તથા ચોટીલા ટાઉન વિસ્તાર ખાતે લિસ્ટેડ બુટલેગરોના ઘરે દરોડા પાડી અને પીજીવીસીએલ વિભાગ અને પોલીસ તંત્રની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુખ્યાત બુટલેગરો દ્વારા પોતાના ઘરમાં નાખવામાં આવેલા વીજ કનેક્શનનો ગેરકાયદેસર હોવાનો ધડાકો થયો હતો ત્યારે 1,30,90000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






