મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે ઉમેદવારી પત્રક ભરશે, રેલી યોજીને કરશે શક્તિ પ્રદર્શન

રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે ઉમેદવારી પત્રક ભરશે, રેલી યોજીને કરશે શક્તિ પ્રદર્શન

રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે આજે ઉમેદવારી પત્રક ભરવાના છે. જેને લઈને ભાજપે તડામાર તૈયારીઓ કરી છે. રૂપાલા પહેલા જનસભા યોજાશે, પછી રોડ શો કરી ઉમેદવારીપત્ર ભરવા જશે. તેમની સાથે વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.

ક્ષત્રિય સમાજની માંગ સામે ભાજપ હજું ઝુક્યું નથી

ગઈકાલે રતનપર-રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં પ્રચંડ અને ઐતિહાસિક શક્તિપ્રદર્શન થતા ભાજપમાં દિલ્હી સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ક્ષત્રિય સમાજની માંગ સામે ભાજપ હજું ઝુક્યું નથી. ક્ષત્રિયો હવે કરેંગે યા મરેંગેના ઝનુન સાથે મેદાને પડ્યા છે

ભાજપ ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા ફોર્મ ભરશે તેમ પણ જાહેર કરાયું છે. અર્થાત કોઈપણ સંજોગોમાં રૂપાલાનું ફોર્મ રદ થાય કે પાછું ખેંચાયતો કુંડરિયાને ઉમેદવારી પદની લોટરી લાગી શકે છે. જોકે શહેર ભાજપના નેતાએ જણાવ્યું કે હવે રૂપાલાની ટિકિટ રદ થાય તેવી શક્યતા સહેજ પણ જણાતી નથી.

મહત્ત્વનું છે કે રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં આગેવાનોએ ભાજપને લલકાર કરીને 19 એપ્રિલ સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવા અલ્ટીમેટમ આપ્યું છે.

ભાજપના ઉમેદવારનું વિજય વિશ્વાસ સરઘસનીકળશે

આજે સવારે 9 કલાકે યાગ્નિક રોડ પર આવેલા જાગનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના નેતાઓ એકત્ર થશે, ત્યાંથી ભાજપના ઉમેદવારનું વિજય વિશ્વાસ સરઘસ, પદયાત્રા નીકળશે જે બહુમાળી ભવન ચોક પહોંચીને સભામાં ફેરવાશે.

ભાજપના રૂપાલા સામે પ્રચંડ આક્રોશ સામે ભાજપે મત માંગવા માટેની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરીને રાજકોટ મક્કમ, રૂપાલા અડીખમના સૂત્ર સાથેના બોર્ડને બદલે શહેરના ધમધમતા કાલાવાડ રોડ પર તમામ કિયોસ્ક બોર્ડ પર પ્રચાર શરૂ કરાયો તેમાં રૂપાલાનો ઉલ્લેખ સુદ્ધા ટાળીને માત્ર કમળ અને મોદીને જ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. રૂપાલાના વિરોધીઓને મોદીના નામ પર દેશના વિકાસના નામ પર મત આપવા સમજાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો