Panchmahal / હડફ ડેમની સપાટી 166.15 મીટરે પહોંચી, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા, નદી કિનારે ન જવા તંત્રની તાકીદ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સાતત્યપૂર્ણ વરસાદને કારણે હડફ ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ રહી છે. ડેમની જળસપાટી તેની નિર્ધારિત ફાળવેલી સપાટી (રૂલ લેવલ)ની નજીક પહોંચી જતાં તંત્ર દ્વારા જળસ્તર જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં વહાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ડેમની જળસપાટી 166.15 મીટરે પહોંચી, 16 હજાર ક્યુસેકની આવક
હડફ ડેમ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 16,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની વર્તમાન જળસપાટી વધાઈને 166.15 મીટરે પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, હડફ ડેમનું રૂલ લેવલ 166.20 મીટર નક્કી કરવામાં આવેલું છે. ડેમ તેની ભયજનક સપાટીની ખૂબ જ નજીક પહોંચી ગયો હોવાથી રૂલ લેવલ જાળવી રાખવું જરૂરી બન્યું છે.
જરૂર પડ્યે 25,000 ક્યુસેક સુધી પાણી છોડાશે, તંત્રનું ઍલર્ટ
પરિસ્થિતિને ધ્યાને રાખીને ડેમ ઓથોરિટી દ્વારા હડફ ડેમના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી 16,368 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હડફ ડેમ વિભાગે જણાવ્યું છે કે, ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી હોય, જો જરૂર જણાશે તો નદીમાં 25,000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી હડફ નદીના હેઠવાસમાં આવેલા અને કિનારે વસેલા તમામ ગામોના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનો તથા સ્થાનિકોને નદી કિનારે કે કોઝવે તરફ ન જવા માટે કડક આદેશ સાથે સૂચના આપવામાં આવી છે.

