Panchmahalના બોરિયા ગામમાં ‘નલ સે જલ’ યોજનામાં કૌભાંડનો આક્ષેપ, કલેક્ટર સમક્ષ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ‘નલ સે જલ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં આ યોજના ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે. સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં આખરે બોરિયા ગામના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના રહીશોએ ન્યાયની આશાએ જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
ગ્રામજનોનો આક્રોશ એ વાતને લઈને છે કે કાગળ પર કામો પૂર્ણ બતાવીને સરકારની કરોડો રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી છે, જ્યારે વાસ્તવિકતામાં લોકો આજે પણ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે.
એક પણ નળમાં ટીપુય પાણી આવ્યું નથી
બોરિયા ગામના રહેવાસી પારગી દશરથભાઈ લાલાભાઈએ કહ્યું કે બોરિયા ગામમાં વર્ષ 2013-14 માં ગામમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ તેનો લાભ હજી સુધી કોઈને મળ્યો નથી. બોરિયા ગામ ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને ત્યાં મુખ્યત્વે આદિવાસી વસ્તી રહે છે. સરકાર તરફથી 'નલ સે જલ' યોજના અંતર્ગત કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પાઇપો જમીનમાં દાટી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી એક પણ નળમાં એક ટીપું પાણી આવ્યું નથી. ગામના લોકોએ પાણી સમિતિ અને સરપંચને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હાલમાં ગામ લોકોને દૂર આવેલા કુવાઓ અને હેન્ડપંપો પરથી પાણી લાવવું પડે છે. પથરાળ વિસ્તાર હોવાને કારણે કેટલાક કુવાઓનું પાણી દૂષિત/બગડેલું હોય છે, જે પીવાના કારણે ગામમાં લોકો બીમાર પડી રહ્યા છે.
માત્ર નળ લગાવી સંતોષ માન્યો
સ્થાનિક હિતેશ મછારે કહ્યું કે ગામમાં 'નલ સે જલ' યોજના અંતર્ગત કેટલીક જગ્યાએ માત્ર પાઇપો નાખવામાં આવી છે, કેટલીક જગ્યાએ ખોદકામ થયું છે, તો વળી અમુક જગ્યાએ માત્ર નળ (ચકલીઓ) લગાવી દેવામાં આવી છે પણ ત્યાં પાઇપલાઇનનું જોડાણ જ નથી. માત્ર ચકલીઓ લગાવી દેવાથી પાણી કઈ રીતે આવશે તેવો પ્રશ્ન તેઓ ઉઠાવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી એક પણ ઘર સુધી પાણી પહોંચ્યું નથી. આ યોજના હેઠળ આશરે રૂપિયા 2 કરોડ અને 13 લાખ જેટલી રકમ ઉપડી ગઈ છે. તેમનું કહેવું છે કે જો આટલી મોટી રકમ ખર્ચાઈ હોય, તો ઓછામાં ઓછા 50 ઘરોમાં તો પાણી પહોંચવું જ જોઈતું હતું, પણ વાસ્તવિકતામાં કોઈના ઘરે પાણી નથી મળતું.
સૌથી મોટો સવાલ એ છે કે, જે યોજના માટે આશરે 2 કરોડ 13 લાખ જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ, તેનું પાણી એક પણ ઘર સુધી કેમ ન પહોંચ્યું? કામ અધૂરું હોવા છતાં, કયા અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા વિના જ કામ પૂર્ણ થયાનું સર્ટીફીકેટ આપી દીધું અને સરકારી નાણાં ઉપાડવાની મંજૂરી આપી દીધી? શું જિલ્લા કલેક્ટર આ મામલે તટસ્થ તપાસ કરાવીને દોષિત કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં ભરશે, કે પછી આ તપાસ પણ કાગળ પર જ સમેટાઈ જશે?
ગામલોકોની મુખ્ય માંગણી એ છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કરોડો રૂપિયાનો સદઉપયોગ થાય અને છેવાડાના માનવી સુધી નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે. પૂરતું અને નિયમિત પાણી મળી રહે જેથી પશુપાલન અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવી શકે.

