Panchmahal / મેઘરાજાને રીઝવવા અનોખી લોકપરંપરા: મહિલાઓએ પુરુષનો વેશ ધારણ કરી ગાયો વાળી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વાવણી બાદ વરસાદ ન પડતાં મોંઘા ભાવનાં બિયારણ અને ઊભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મેઘરાજાને રીઝવવા માટે શહેરા તાલુકાના સાજીવાવ અને નવા મહેલાણ ગામની મહિલાઓએ વર્ષો જૂની લોકપરંપરા મુજબ અનોખો ઉપાય અપનાવ્યો છે.
ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા ગાયો વાળી લાવવાની પરંપરા
ગ્રામ્ય વિસ્તારમાં એવી લોકમાન્યતા છે કે જ્યારે લાંબા સમય સુધી વરસાદ ન પડે, ત્યારે મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયો વાળી (હાંકી) લાવે તો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને મન મૂકીને વરસે છે. આ પરંપરા મુજબ, સાજીવાવ ગામની મહિલાઓએ પુરુષોના વસ્ત્રો ધારણ કર્યા હતા અને પરંપરાગત પ્રતિકાત્મક સાધનો સાથે નવા મહેલાણ ગામે પહોંચી ગાયોનું ધણ વાળી લાવ્યા હતા.
રીત-રિવાજ મુજબ, જે ગામની ગાયો વાળવામાં આવી હોય, તે ગામની મહિલાઓ એકત્ર થઈને ગાયોને પરત લેવા માટે સામેના ગામે પહોંચે છે. આ દરમિયાન બંને ગામની મહિલાઓ સામસામે આવીને ઉત્સાહપૂર્વક આ ધાર્મિક અને લોકરીતિ પૂર્ણ કરે છે. આ અનોખી વિધિને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્સુકતા અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યાનુસાર, પૂર્વજોના સમયથી ચાલી આવતી આ વિધિ કરવાથી મેઘરાજા પ્રસન્ન થાય છે અને સારો વરસાદ પડે છે, જેનાથી ખેતીના પાકનું રક્ષણ થાય છે.

