મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“PIના માનસિક ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે”, નિકોલ PI જાટ વિરુદ્ધ PSIની અરજી

અમદાવાદ શહેરમાં ફરી એક વાર ખાખીને લજવાતી શરમજનક બાબત સામે આવી છે.

“PIના માનસિક ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે”, નિકોલ PI જાટ વિરુદ્ધ PSIની અરજી

અમદાવાદ શહેરમાં ફરી એક વાર  ખાખીને લજવાતી  શરમજનક બાબત સામે આવી છે. શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIએ તેના પોલીસ ઇન્સપેક્ટર વિરુદ્ધ અરજી કરી છે.  આ અરજીમાં PSIએ આક્ષેપ કર્યા છે કે PI દ્વારા સતત ત્રાસ અપાતો હોવાના કારણે તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. આ બાબતને લઇને તેમણે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓથી માંડીને ગૃહવિભાગ સુધી પત્ર લખ્યો છે. ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે સવાલ છે. 

નિકોલ પોલીસ સ્ટેશનના PSI શિયાળ

અપમાનજનક વર્તન અને ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપ્યાનો આરોપ 

રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓના ખભાના જોરે નોકરી કરનાર નિકોલ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.જાટ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આ વખતે તે કોઇ નાગરિકના નહિ પણ પોલીસ અધિકારીના જ આક્ષેપનો ભોગ બન્યા છે. પીઆઇ જાટના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી.શિયાળે બાંયો ચઢાવતા પીઆઇ જાટ વિરુદ્ધ  એક પત્ર લખતા પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ચિઠ્ઠીમાં પીઆઇ જાટના અપમાનજનક વર્તન અને ગાળાગાળી કરવાની સાથે ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. 

પત્ર વાયરલ થતા PI જાટે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું

આ પત્ર વાયરલ થતાં જ જ્યારે ઇન્સપેક્ટર જાટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ભેદી રીતે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા શંકાઓ વધુ ઉંડી બનતી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે આ મામલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તપાસના આદેશ આપતા PI સામે કોઇ પગલાં લેવાય છે કે રાજકીય આગેવાનો તેમને બચાવવા મેદાને પડે છે તે સવાલ છે.  

PI જાટને એક રાજકીય વ્યક્તિનું પીઠબળ

પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ PI જાટને એક રાજકીય વ્યક્તિનું પીઠબળ હોવાથી તેમને તેમના ઉચ્ચ પોલીસ અધિકારીનો પણ ડર હોતો નથી. PI જાટ આવ્યા ત્યારથી નિકોલ પોલીસ સ્ટેશનમાં વિવાદ શમવાનું નામ લેતો નથી. રાજકીય આકાઓના કારણે તે દર વખતે બચતા આવ્યા છે. જ્યારે તેમના નામનો કોઇ વિવાદ થાય ત્યારે તે સીધા જ રાજકીય વ્યક્તિના પગમાં પડીને સામ દામ દંડ ભેદ અપનાવીને બચી જવામાં માહેર ગણાય છે.

અગાઉ એક કરોડનું જમીન પ્રકરણ સામે આવ્યુ તેમાંય તેમની પર આક્ષેપ થતાં તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી. PI જાટના વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતા તેમને ઉચ્ચ અધિકારીઓએ બચાવી લીધા હતા. ત્યારે હવે આ કેસમાં પણ આ જ નિતી અપનાવાશે કે કેમ તે સવાલ છે. 

PSI શિયાળનો વાયરલ પત્ર, પેજ 1-2

અનેક લોકોએ બદલી કરાવી, મહિલાકર્મીને પણ PI જાટે ગાળો ભાંડી હતી

PSI  જે. બી. શિયાળે જે પત્ર લખ્યો છે તે હાલ વાયરલ થયો છે. આ પાત્રમાં તેમણે PI  કે. ડી. જાટ પર આક્ષેપ કર્યા છે કે અવાર નવાર તેઓ અપમાનિત કરે છે. સ્ટાફ સામે ગાળો ભાંડવાની સાથે અલગ અલગ ડ્યુટી સોંપીને હેરાનગતિ કરે છે. સાથે જ એકાઉન્ટ રાઇટર હેડ પણ PI જાટના મળતિયા હોવાથી હથિયાર ચેકિંગ હોટલ ચેકિંગની જવાબદારી સોંપી હેરાનગતિ કરવામાં આવે છે. અન્ય એક મહિલા ASI સાથે પણ પીઆઇ જાટે ગાળાગાળી કરી હતી. જે બાબતે સેક્ટર-2 JCPને મૌખિક રજૂઆત પણ કરાઇ હતી.  PIના ત્રાસથી સાતથી આઠ લોકોએ અગાઉ બદલી કરાવી લીધી હતી. 

વધુમાં PSI શિયાળે લખ્યુ છે કે PI જાટના ત્રાસથી તેમનો પરિવાર ખુબ ડિસ્ટર્બ થયો છે, પત્ની-બાળકો પણ હેરાન થયા હોવાથી જીવન ટૂંકવવાનો વિચાર આવે છે. 

PSI શિયાળનો વાયરલ પત્ર, પેજ 3-4

PSI શિયાળ પરિવાર સાથે ગાયબ 

PSI શિયાળનો આ પત્ર વાયરલ થયા બાદ તેઓ પરિવાર સાથે બહારગામ જવાનું કહીને ભેદી રીતે ગાયબ થઇ જતા તપાસનો વિષય બન્યો છે. 

આ મામલે ACP કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે PSIએ કરેલી અરજી મામલે આક્ષેપિત તમામ લોકોના નિવેદન નોંધવામાં આવશે. ઉપરાંત નિકોલ પોલીસ સ્ટેશનના સ્ટાફના અન્ય કર્મીઓના પણ નિવેદન નોંધીશું. પત્રમાં જે મહિલા ASIનો ઉલ્લેખ કર્યો છે તેમની પણ પૂછપરછ કરીને યોગ્ય તપાસ કરીને આક્ષેપિત પીઆઇની પણ પૂછપરછ કરાશે.

આ સમાચાર શેર કરો