મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવું વર્ષ બન્યું કાળ: રાજ્યમાં 4 સ્થળો પર અકસ્માતમાં 4ના મોત; 26 ઘાયલ

સમગ્ર વિશ્વ જ્યારે નવા વર્ષની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરી રહ્યું છે ત્યારે ગુજરા

નવું વર્ષ બન્યું કાળ: રાજ્યમાં 4 સ્થળો પર અકસ્માતમાં 4ના મોત; 26 ઘાયલ

સમગ્ર વિશ્વ જ્યારે નવા વર્ષની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરી રહ્યું છે ત્યારે ગુજરાતભરમાં એવા ગમખ્વાર અકસ્માત થયા જેમાં ભોગ બનનારના પરિવાર માટે નવું વર્ષ અચાનક દુ:ખ અને શોકની લાગણીમાં ફેલાઈ ગયુ છે. નવા વર્ષના પ્રારંભે જ અકસ્માતનો દોર શરૂ થયો હોય તેમ લાગે છે. નવા વર્ષના દિવસે જ રાજ્યમાં અલગ અલગ સ્થળો પર થયેલા 4 અકસ્માતમાં કુલ 4ના મોત થયા જ્યારે 26 લોકો ઘાયલ હોવાથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં છે.

રાજસ્થાનથી દ્વારકા આવતા પરિવારમાં માં-દિકરીના મોત

રાજસ્થાનથી દ્વારકા આવતા પ્રવાસીઓનો ભાટિયા પાસે ગંભીર અકસ્માત થયો હતો. વહેલી સવારે કાર અને ટ્રેકટર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પ્રવાસે નિકળેલા પરિવારની કાર ટ્રેકટર પાછળ ઘૂસી જતા 2ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર માતા પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે તેમને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ભોગ બનનાર 52 વર્ષીય મૃતક માતા રાધાબેન ગર્ગ તેમજ તેમની 26 વર્ષીય દિકરી દિવ્યાબેન ગર્ગનું અવસાન થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : AMCની પરીક્ષામાં કૌભાંડ; પરિણામ સાથે છેડછાડ કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, નોકરી લાગેલા ઘરભેગા

અમદાવાદમાં એક ટેમ્પોએ બે ત્રણ વાહનને અડફેટે લઈ દુકાનમાં ઘુસ્યો

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં કેડિલા રોડ પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ફોર્સ ટેમ્પો ચાલકે બે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા અને ટેમ્પો આખરે એક દુકાનમાં ઘુસી ગયો હતો. અણઘડ રીતે મોટું વાહન ચલાવી દુકાનમાં ઘુસેલા ફોર્સ ટેમ્પો ચાલકને દુકારદારોએ પોલીસને હવાલે કર્યો હતો. તેમજ ફોર્સ ટેમ્પો ચાલકે દારૂના નશામાં અકસ્માતમાં સર્જ્યો હોવાના આક્ષેપો પણ ઘડવામાં આવ્યા હતા.

વડોદરામાં દબાણના વાહને સર્જેલા અકસ્માતમાં યુવકની હાલત ગંભીર

વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે જ અકસ્માતનો દોર શરૂ થયો હોય તેમ લાગે છે, તેવામાં શહેરના કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી જેમાં દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો છે. દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઈક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવાની જાણ થતા જ કુંભારવાડા પોલીસ સ્થળ પર આવી હતી.

જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. SSG હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણએ જણાવ્યું હતું કે કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા. જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, તેની સાથે 108એ અમને માહિતીમાં જણાવાયું છે કે, કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે. દર્દીની  પરિસ્થિતિ હાલ ગંભીર છે, તેને અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે.

આ પણ વાંચો : VIDEO: વડોદરામાં ગટરની સફાઈ દરમિયાન મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ

બનાસકાંઠામાં હાઈવે પર અકસ્માતમાં 20 ઘાટલ અને 2ના મોત

બનાસકાંઠામાં સૂઇગામના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ભારતમાલા હાઇવે પર રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લકઝરીમાં સવાર 20 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા અને 3ના મોત નિપજ્યા હતા. જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરીને સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો.

જેમાં 20 જેટલા ઘાયલોને સાત જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને સૂઇગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સુઈગામ થરાદ ભાભર વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ઘાયલોને સારવાર અર્થે ખસડવામાં જહેમત ઉઠાવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ સમાચાર શેર કરો