VIDEO/ ડીસા APMCની ઘોર બેદરકારી: કમોસમી વરસાદમાં લાખોનું અનાજ પલળ્યું
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મોડી રાત્રે પડેલા અચાનક કમોસમી વરસાદે ડીસા માર્કેટયાર્ડમાં મોટી તારાજી સર્જી
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મોડી રાત્રે પડેલા અચાનક કમોસમી વરસાદે ડીસા માર્કેટયાર્ડમાં મોટી તારાજી સર્જી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાવાઝોડાની સ્પષ્ટ આગાહી કરવામાં આવી હોવા છતાં, અનેક વેપારીઓએ ઘોર બેદરકારી દાખવી હતી. બજાર સમિતિ દ્વારા અગાઉથી જ વારંવાર સૂચનાઓ અને ચેતવણી આપવામાં આવી હોવા છતાં, મગફળી, રાયડો અને બાજરી સહિતનો લાખો રૂપિયાનો કિંમતી જથ્થો ખુલ્લામાં જ રાખવામાં આવ્યો હતો. મોડી રાત્રે અચાનક ત્રાટકેલા વરસાદના કારણે આ તમામ અનાજ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
APMC એ કરી હતી તમામ વ્યવસ્થા, વેપારીઓએ સૂચનાઓ ઘોળીને પીધી
ડીસા APMC પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની સંભાવનાને પગલે વેપારીઓ અને ખેડૂતોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા હતા. મુખ્ય યાર્ડ તેમજ સબ યાર્ડમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી માલને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચનાઓ અપાઈ હતી.
એટલું જ નહીં, માર્કેટયાર્ડ દ્વારા વિશાળ શેડ અને મોટા સ્ટોરેજ રૂમ પણ ખુલ્લા રાખવામાં આવ્યા હતા જેથી કોઈપણ વેપારી કે ખેડૂત પોતાનો માલ ત્યાં સુરક્ષિત રીતે મૂકી શકે. આ તમામ સવલતો હોવા છતાં કેટલાક વેપારીઓએ પૂરતી તકેદારી ન રાખી અને માલ ખુલ્લા આકાશ નીચે જ છોડી દીધો, જે આ નુકસાનનું મુખ્ય કારણ બન્યું છે.
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું: યાર્ડમાં રોષનો માહોલ
કમોસમી વરસાદ બાદ સવારે માર્કેટયાર્ડમાં ચારેય તરફ અનાજની બોરીઓ ભીંજાયેલી જોવા મળી હતી અને કિંમતી અનાજ રસ્તા પર વેડફાયેલું નજરે પડતું હતું. પોતાની રાત-દિવની મહેનતનું અનાજ આ રીતે વેપારીઓની બેદરકારીને કારણે બગડી જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
યાર્ડમાં આવેલા સ્થાનિક ખેડૂતો- હીરાભાઈ, મરચાયભાઈ અને ભૂરાભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, જ્યારે વરસાદની આગાહી અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી હતી, તો પછી માલને શેડમાં કે સુરક્ષિત જગ્યાએ કેમ ખસેડવામાં ન આવ્યો? વેપારીઓની આ આયોજન વગરની નીતિનો ભોગ આખરે જગતના તાતને બનવું પડ્યું છે.
APMC સેક્રેટરીનું નિવેદન અને નુકસાનના મૂલ્યાંકનની કામગીરી શરૂ
આ સમગ્ર ઘટના અંગે ડીસા APMCના સેક્રેટરી અમરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, બજાર સમિતિ દ્વારા અગાઉથી જ તમામ વેપારી મંડળ અને ખેડૂતોને સાવચેત રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. શેડનો મહત્તમ ઉપયોગ કરવા પણ જણાવાયું હતું. તેમ છતાં કેટલાક વેપારીઓની વ્યક્તિગત બેદરકારીના કારણે આ અનાજ પલળી જવાની ઘટના બની છે. હાલ બજાર સમિતિ દ્વારા કયા વેપારીનો કેટલો માલ પલળ્યો છે અને અનાજને કેટલું નુકસાન થયું છે, તે અંગે નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કડક પગલાં લેવા ખેડૂતોની માંગ
હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી છતાં વેપારીઓએ દાખવેલી આ લાપરવાહીને કારણે લાખો રૂપિયાનું અનાજ બગડી ગયું છે. આ ઘટના બાદ હવે ડીસા માર્કેટયાર્ડમાં ભવિષ્યમાં ક્યારેય આવી સ્થિતિ ફરી ન સર્જાય અને ખેડૂતોના માલનું નુકસાન ન થાય તે માટે બેદરકાર વેપારીઓ સામે કડક પગલાં ભરવા અને યાર્ડમાં વધુ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાની માંગ જોર પકડી રહી છે.







