મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેશભરમાં બહિષ્કાર પણ પાકિસ્તાન સમર્થક તુર્કિયે સાથે ગુજરાત સરકારનું વ્યાપારિક ઇલુ-ઇલુ

યુદ્ધ વખતે પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કિયેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો

દેશભરમાં બહિષ્કાર પણ પાકિસ્તાન સમર્થક તુર્કિયે સાથે ગુજરાત સરકારનું વ્યાપારિક ઇલુ-ઇલુ

યુદ્ધ વખતે પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કિયેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.ટ્રાવેલ્સ એજન્ટોથી માંડીને ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓએ તુર્કિયે સાથે સંબંધો તોડી નાંખ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાન સમર્થક તુર્કિયે સાથે ગુજરાત સરકારના વ્યાપારિક સંબંધો બરકરાર રાખ્યાં છે. એટલુ જ નહીં, પાટનગર ગાંધીનગરમાં ઇન્ડેકસ્ટ-બીએ તો તુર્કિયે માટે ખાસ હેલ્પ ડેસ્ક ઉભુ કર્યુ છે. તુર્કીઝ કંપનીઓ માટે લાલજાજમ પાથરી છે. આમ, ગુજરાત સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે.

દેશભરમાં તુર્કિયે સાથેના વેપારીક સંબંધો તૂટ્યા

ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે તુર્કિયેએ પોતાનું પોત પ્રકાશ્યુ હતું. ડ્રોન સહિત અન્ય હથિયાર આપીને તુર્કિયેએ પાકિસ્તાનનું ખુલ્લુ સમર્થન કર્યુ હતું. આ જોતાં તુર્કિયેને પાઠ ભણાવવાનું નક્કી કરાયુ છે. એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી તુર્કિઝ કંપની સેલેબી સાથે પાર્ટનરશીપ રદ કરી દેવાઇ છે.

JNU અને IIT-મુંબઇએ તુર્કિયે યુનિવર્સિટી સાથેનો શૈક્ષણિક કરાર રદ કર્યા છે. ટ્રાવેલ્સ એજન્ટોએ તુર્કિયેના ટુર પેકેજોનું બુકિંગ કેન્સલ કરી દીધુ છે. ગુજરાતમાં કચ્છ-મોરબીના વેપારીઓએ પણ તુર્કિયે સાથે વેપારીક સંબંધો તોડી નાંખ્યા છે.

બાંધકામ-હોમ એપ્લાયન્સિસમાં અગ્રેસર તુર્કિઝ કંપનીનું ગુજરાતમાં મોટું રોકાણ, હવે સરકારને ગળે હાડકું ભરાયું
 
આ તરફ, ગુજરાત સરકારનું તુર્કિયે કંપનીઓ તરફનો વ્યાપારિક મેળજોળ યથાવત રહ્યો છે. ગુજરાતમાં તુર્કિયે કંપનીઓનું પણ મોટુ રોકાણ હોવાનું જાણવા મળ્યુ છે જેમ કે સાણંદ નજીક એક તુર્કિઝ કંપની ભારતીય કંપની સાથે રહીને હોમ એમ્પાયન્સીસ તૈયાર કરી રહી છે. આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે અગ્રેસર ગણાતી એક તુર્કિઝ કંપની હાલ ગુજરાતમાં સરકારી-ખાનગી પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહી છે. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ ટનલ તુર્કિઝ કંપની બનાવી રહી છે. ખુદ ઉદ્યોગ વિભાગે જ જાહેર કર્યું છે કે, ગુજરાતમાં તુર્કી કંપનીનું રોકાણ છે. આ ઉપરાંત તુર્કી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવુ હોય તો રાજ્ય સરકાર જમીનથી માંડીને સબસિડી આપવા પણ તૈયાર છે, આ માટે ઇન્ડકેસ્ટ-બીએ તુર્કી માટે ખાસ હેલ્પ ડેસ્ક તૈયાર કર્યુ છે.

તુર્કિયેનો ચારેકોર ભરપૂર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે એક હરફ ઉચ્ચારવાનું ટાળ્યું છે. એટલુ જ નહીં, સરકારને ગળે બરોબરનું હાડકુ ભરાયુ છે. હવે લોકો સવાલ કરી રહ્યાં છે કે, ગુજરાત સરકાર તુર્કિયે સાથેના રાજકીય-વ્યાપારિક સંબંધો ક્યારે તોડશે? આમ,ગુજરાત સરકારનું બેવડુ વલણ ખુલ્યુ પડ્યું છે.

આ સમાચાર શેર કરો