શ્રદ્ધા અને સુવર્ણનો સંગમ: 26 ફેબ્રુઆરીએ નગરયાત્રા પહેલા નગરદેવી ભદ્રકાળીનું ગર્ભગૃહ સુવર્ણમય બનશે, જાણો કેટલી કામગીરી બાકી
અમદાવાદના નગરદેવી અને ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન ભદ્રકાળી મંદિરના ગ
અમદાવાદના નગરદેવી અને ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન ભદ્રકાળી મંદિરના ગર્ભગૃહને સુવર્ણજડિત કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ 2019માં PM નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.
કોરોનાને કારણે વિલંબ
હવે ભક્તોના દાનથી વેગ મળ્યો મંદિર ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહ અને મંડપને સોનાનો બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, વચ્ચે કોરોના કાળ આવતા કામગીરી લાંબો સમય બંધ રહી હતી. ભદ્રકાળી માતાના ભક્તો દ્વારા જેમ-જેમ સોનાનું દાન આપવામાં આવે છે, તેમ-તેમ કામ આગળ વધી રહ્યું છે. હાલની સ્થિતિએ આ ભવ્ય કામગીરીને પૂર્ણ કરવા માટે હજુ બે કિલો સોનાની જરૂર હોવાનું જાણવા મળ્યું છે. ભક્તો પણ પોતાની શ્રદ્ધા અનુસાર સોનાના દાનનો પ્રવાહ વહાવી રહ્યા છે.
નિષ્ણાત કારીગરો દ્વારા ઝીણવટભરી કામગીરી
સુવર્ણ જડિત કરવાની આ કામગીરી અત્યંત ચીવટ માંગી લે તેવી છે. દાનમાં મળતા સોનામાંથી પાતળા પતરા તૈયાર કરી તેને ગર્ભગૃહની દીવાલો અને મંડપ પર જડવામાં આવે છે. ખાસ વાત એ છે કે, સોમનાથ, ડાકોર, શામળાજી અને રાજસ્થાનના ખાટુશ્યામ જેવા જગવિખ્યાત મંદિરોમાં સુવર્ણ કામ કરનાર અનુભવી કંપની જ આ પ્રોજેક્ટ સંભાળી રહી છે.
26 ફેબ્રુઆરીએ નગરયાત્રાનું આયોજન
મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આગામી 26 ફેબ્રુઆરીના રોજ માતાજીની ભવ્ય નગરયાત્રા યોજાનાર છે. આ ઉત્સવ પૂર્વે જ ગર્ભગૃહની સુવર્ણ કામગીરી પૂર્ણ થઈ જાય તેવી આશા રાખવામાં આવી રહી છે. જ્યારે આ કામ પૂર્ણ થશે, ત્યારે નગરદેવીનું ધામ સોનાની આભાથી ઝળહળી ઉઠશે.






