Ahmedabad: આગામી 3 દિવસોમાં ઠંડીનું જોર ઘટશે, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં શિયાળાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનના પારામાં ઉતાર-ચઢાવ જોવા મળશે, જેનાથી નાગરિકોને ક્યારેક ગરમી તો ક્યારેક કડકડતી ઠંડીનો અહેસાસ થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે ઠંડીમાં થોડી રાહત મળશે. પરંતુ આ રાહત ટૂંકા ગાળાની હશે. 3 દિવસ બાદ ફરીથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનું જોર ફરી વધશે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી પવનોની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે, જેનાથી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીનું લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું છે.

