મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“આ ગામ મારું પિયર છે, હવે છોડીને જાઉં છું” નભોઈમાં રિટાયર્ડ મહિલા આચાર્યના વિદાય પ્રસંગે ગ્રામજનો ચોધાર આંસુએ રડ્યા, જુઓ વીડિયો

ગુજરાતીમાં કહેવત છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે', પરંતુ એક શિક્ષક પણ સો માતાન

“આ ગામ મારું પિયર છે, હવે છોડીને જાઉં છું” નભોઈમાં રિટાયર્ડ મહિલા આચાર્યના વિદાય પ્રસંગે ગ્રામજનો ચોધાર આંસુએ રડ્યા, જુઓ વીડિયો

ગુજરાતીમાં કહેવત છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે', પરંતુ એક શિક્ષક પણ સો માતાની ગર સારી શકે છે. શાળામાં બાળકોને પુસ્તકના પાઠની સાથે સંસ્કાર, શિસ્ત સહિ‌ત વ્યવહારના પાઠ શીખવે છે. શિક્ષણ, સંસ્કાર અને શિસ્તનો સમન્વય જોવો હોય તો ગાંધીનગરના નભોઈ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 40 વર્ષથી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા મહિલા આચાર્યનો આ ભવ્ય વિદાય સમારંભ જોઈલો.

આખું ગામ રડ્યું, સ્કેચ-ઘરેણાં-સાડી જેવી વસ્તુઓ ભેટમાં આપી 

ગાંધીનગરના નભોઈ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 40 વર્ષથી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા મહિલા આચાર્ય કૈલાશબેન પંડ્યા રિટાયર્ડ થતા ગ્રામજનોએ ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો. ગ્રામજનો, શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત આ વિદાય પ્રસંગમાં હાજર સૌ કોઈની આંખો ભાવવિભોર જોવા મળી.

કોઈએ જાતે તેમનો સ્કેચ બનાવીને ભેટ આપી તો કોઈએ ઘરેણું ભેટ આપ્યું. સન્માનપત્ર એનાયત કરતી વખતે શાળાના શિક્ષકોની આંખો પણ છલકાઈ ગઈ. આ જ શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચેલા વિદ્યાર્થીઓએ પણ પ્રસંગમાં હાજર રહીને ગ્રામજનો વતી ભગવાન શ્રીરામની પ્રતિમા આપીને શિક્ષકનું સન્માન કર્યું. શાળાના અન્ય શિક્ષક મીનાબેન પટેલ તેમજ લીલાબેન દ્વારા સાડી તેમજ ઘરેણું ભેટ આપીને તેમનું સન્માન વધારવામાં આવ્યું.

 કૈલાશબેને પોતાના બંને પુત્રોને પણ આ જ શાળામાં ભણાવ્યાં 

આ શાળામાં તેમણે માત્ર ગ્રામજનોના જ નહીં, પોતાના બન્ને સંતાનોને પણ ભણાવ્યા, જે પૈકી એક દીકરાએ પત્રકારત્વના અભ્યાસમાં ભૂતપૂર્વ ગવર્નર કમલા બેનીવાલના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને આજે દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપમાં છેલ્લા 15 વર્ષથી સોશિયલ મીડિયા હેડ તરીકે ફરજ બજાવી રહ્યો છે. 16 ઓક્ટોબર, 2024ના રોજ ગાંધીનગરના કોબા સર્કલ પાસે આવેલા નભોઈ ગામની પ્રાથમિક શાળા સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેની પાછળ શાળા શિક્ષક કૈલાસબેન પંડ્યાની અથાગ મહેનત જવાબદાર છે.

આચાર્યએ પોતાના ખર્ચે આખું ગામ જમાડ્યું

છેલ્લા 40 વર્ષથી એક જ સરકારી શાળામાં બાળકોને ભણાવી રહેલા આ આચાર્યનો જ્યારે ગ્રામજનોએ વિદાય સમારંભ યોજ્યો ત્યારે પગાર કેન્દ્રના અધિકારી, ભૂતપૂર્વ શિક્ષકો-વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ હાજર રહીને તેમના આ પરિશ્રમને બિરદાવ્યો. ગામના દરેક વ્યક્તિએ પોતાની યથા યોગ્ય શક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ આ આચાર્ય પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો. પોતાના પ્રત્યે ગ્રામજનોનો આ પ્રેમ જોઈને આચાર્યએ પણ પોતાના ખર્ચે આખું ગામ જમાડ્યું.

વર્ષ 2019-20નો ‘પ્રતિભાશાળી શિક્ષક’ એવોર્ડ મળ્યો 

નાનકડા ગામમાંથી પણ વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં શાળાના વિદ્યાર્થીઓને મહત્તમ સંખ્યામાં સામેલ કરી તેમના સર્વાંગી વિકાસમાં ઉત્તમ યોગદાન આપ્યું છે. જેના ભાગરૂપે વર્ષ 2019-20માં આચાર્ય કૈલાસબેન પંડ્યાને 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે એવોર્ડ આપીને ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગે સન્માનિત કર્યા હતા.

શાળા માટે જમીન દાનમાં આપનાર પરિવારને દરેક પ્રસંગે હાજર રાખ્યા

આ શિક્ષક અને તેમના પ્રેમ વિશે વાત કરતા ગામના લોકો કહે છે કે ગામના બાળકોના ભવિષ્ય માટે સરકારને શાળા માટે જમીન આપ્યા બાદ સરકાર કે શાળા ભુલી જતી હોય છે પણ કૈલાસબેન પંડ્યાએ શાળામાં યોજાયેલ દરેક પ્રસંગે શાળા માટે જમીન દાનમાં આપનાર મગનજી ફૂલાજી ઠાકોરના પરિવારજનોને પણ અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરીને સન્માન પૂરું પાડ્યું છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો