રાજકોટ : જયંતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલામાં હથિયાર અંગે સર્જાયું રહસ્ય
જયંતિ સરધારા સાથે થયેલી મારામારી મુદ્દે PI સંજય પાદરીયાએ તપાસ અધિકારીને અરજી કરી છે. સમગ્ર

જયંતિ સરધારા સાથે થયેલી મારામારી મુદ્દે PI સંજય પાદરીયાએ તપાસ અધિકારીને અરજી કરી છે. સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે, તેવી રજૂઆત કરવામાં આવી છે. પોતાની વિરુદ્ધ નોંધવામાં આવેલી ફરિયાદની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. પોતાની વિરુદ્ધ BNSની કલમ 109 મુજબ પ્રથમ દ્રષ્ટિએ તત્વો પૂરવાર થતા નથી, તેવો બચાવ પણ કર્યો છે. સરધારાને પહોંચેલી ઈજા મામલે ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવે, તો તેને સામાન્ય ઇજા પહોંચી છે. સરધારાને મહાવ્યથા પહોંચેલ નથી તેવું સ્પષ્ટપણે રેકોર્ડ પર આવી શકે તેમ છે. શ્યામ પાર્ટી પ્લોટ પાસે કુલ 64 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જે તપાસવા જરૂરી છે. આ સાથે PI સંજાય પાદરીયાએ 4 સાક્ષીઓના નામ અને મોબાઈલ નંબર પણ અરજીમાં લખ્યા છે.
જયંતિ સરધારા ખોટું બોલ્યા, પીઆઈ પાસે હથિયાર નહીં હોવાનું ખૂલ્યું
ખોડલધામ અને સરદારધામના વિખવાદમાં સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી જયંતિ સરધારા ઉપર ખોડલધામના ટેકેદાર પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યાના બનાવમાં નવો ખુલાસો થયો છે. ફરિયાદમાં સરધારાએ પોતાની ઉપર પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે હુમલો થયાનું લખાવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં આ પ્રકારના કોઈ હથિયારનો ઉપયોગ નહીં થયાનું બહાર આવ્યું છે.
તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે બે જેટલા સાક્ષીઓની પૂછપરછ અને નિવેદન પરથી પીઆઈ પાદરિયા પાસે પિસ્તોલ જેવું હથિયાર નહીં હોવાનું બહાર આવ્યું છે. સરધારાના નિવેદનના આધારે જ આ કેસમાં ખુનની કોશિષની કલમ લગાડવામાં આવી હતી. જે કલમ આ કેસમાંથી નીકળી જાય તેવી શકયતા છે. આ સ્થિતિમાં આ કેસમાં ખરેખર કયા હથિયારનો ઉપયોગ થયો હતો તે બાબતે રહસ્ય સર્જાયું છે.






